દેશના આ રાજ્યમાં ઈદ પહેલાં હિંસક અથડામણ, લાઠીચાર્જ બાદ ઈન્ટરનેટ સેવા બંધ

ભારત દેશના રાજસ્થાનમાં જોધપુર શહેરના ઝાલોરી ગેટ ચોક પર ઈદની પૂર્વ સંધ્યાએ મોટો હંગામો થયો હતો. ઉપદ્રવીઓનો સામનો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. સાવચેતીના પગલારૂપે સમગ્ર જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વિવાદ શહેરના ઝાલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ લગાવવા અને સર્કલ પર ઈદને લગતા બેનરો લગાવવાને કારણે શરૂ થયો હતો.
Rajasthan: Ruckus in Jodhpur’s Jalori Gate area pic.twitter.com/6IGhmVmmPX
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 3, 2022
આ ઉપરાંત હિન્દુ લોકોએ નારા લગાવીને ઝંડા અને બેનર હટાવી દીધા હતા. આ દરમિયાન તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીજો પક્ષ પણ સક્રિય થઈ ગયો હતો અને ચોક પર અનેક ગાડીઓના કાચ ફોડી દીધા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ભીડે લાઉડસ્પીકર લગાવ્યા હતા તે ઉતારી દીધા હતા. પોલીસે પણ ઉપદ્રવીઓને કાબુમાં કરવા માટે હળવા બળનો પ્રયોગ કર્યો હતો. પોલીસે જલોરી ગેટથી ઈદગાહ રોડ સુધી ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ અથડામણ બાદ જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ તેમના આદેશમાં કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 3 મેના રોજ રાત્રે 1 વાગ્યાથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ દરમિયાન મીડિયા કર્મચારીઓ સાથે પણ પોલીસનો વિવાદ થઈ ગયો હતો. પત્રકારો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. એક પત્રકારને ઈજા પણ પહોંચી હતી. જેના વિરોધમાં પત્રકારો રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા.



