Gujarat

લૉકડાઉન ખૂલ્યું તો 31 મે સુધી 8 લાખ કેસ થવાની આશંકા – વિજય નહેરા

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે સમગ્ર દેશમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગને લઈને છેલ્લા બે દિવસથી ઉઠી રહેલા સવાલોને લઈને આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના હેલ્થ બુલેટિનમાં માહિતી આપી હતી. કોરોનાનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં હાલ 1652 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 69 દર્દીઓએ કોરોના સામેનો જંગ હારી ગયા છે, જ્યારે 113 દર્દી હોસ્પિટમાંથી ઘરે પહોંચી ગયા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં અમદાવાદીઓની ચિંતા વધારે તેવું નિવેદન આપ્યું હતું. તમને જણાવીએ કે છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે.

અમદાવાદ માટે સૌથી ચિંતાજનક સમાચાર આજે વિજય નહેરાએ આપ્યા હતા. અમદાવાદમાં હવે કેસ ડબલિંગ રેટના આધારે AMCએ એક મોટું અનુમાન કાઢ્યું છે. અમદાવાદમાં જો હાલના રેટ પ્રમાણે 15મે સુધીલ ચાલે તો કુલ 50000 કેસની આશંકા સેવવામાં આવી છે. શહેરમાં ડબલિંગ રેટ 8 દિવસ થાય તો 7000 કેસની આશંકા છે. પરંતુ હાલ 4 દિવસમાં કેસ ડબલ થાય છે. તેના આધારે ગણિત કાઢીએ તો હાલના રેટ પ્રમાણે 31મે સુધી 8 લાખ કેસની આશંકા સેવવામાં આવી છે. 7થી 8 દિવસનો કેસ ડબલિંગ રેટ કરવા પ્રયાસ હાથ ધરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, અમદાવાદીઓ માટે સ્થિતિ દિવસેને દિવસે વધુ કપરી બનતી જાય છે. પહેલા શહેરમાં ત્રણ દિવસમાં કેસ ડબલ થતા હતા. જે હવે ચાર દિવસે થાય છે, જો આજ રેટે શહેર આગળ વધ્યું તો 15મે સુધીમાં 50 હજાર કેસ સામે હશે. અમદાવાદમાં 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15મે સુધીમાં 50 હજાર થાય અને 31મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે છે.

વિજય નેહરાએ ઉમેર્યું હતું કે, લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15મે સુધીમાં 10 હજાર જ કેસ શહેરમાં નોંધાયા હશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15મે સુધીમાં 8 હજાર જ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર સિટિઝન માટે AMCનું ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વધતા જતા કેસોને કારણે AMCનું “વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદીઓને ખાસ અપીલ કરી હતી કે, તેઓ પોતાના ઘરમાં રહેવલા સિનિયર સિટિઝન લોકોને સાચવે. 60 વર્ષથી વધુ લોકોની ખાસ કાળજી રાખવા તેમને આહ્વાન કર્યું હતું. બે મહિના સુધી સિનિયર સિટિઝનોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
આ સિવાય આજે વિજય નહેરાએ ઘરે બેઠા યુવાનોને સોશિયલ સાઈટો મારફતે ક્રિએટીવીટી વીડિયો બનાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, યુવાઓ માટે ઘરે બેઠા ક્રિએટીવીટી દાખવવાનો સમય આવી ગયો છે. AMCને તમારા ટિકટોક વીડિયો મોકલો અને લોકડાઉન ખુલ્યા બાદ તેમને યોગ્ય રીતે બિરાદાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button