અમદાવાદમાં ધડાકાભેર એક જ સોસાયટીના 22 લોકોને કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. અગાઉ 700ને પાર પહોંચેલો કોરોના હવે રોજના 800 કેસોની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે 778 કેસો નોંધાયા છે. ત્યારે અમદાવાદ કોરોનાની ઝપેટમાં એક આખો પરિવાર આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં એક જ પરિવારના 10 લોકો સંક્રમિત બન્યા છે જે 10 પૈકી 3 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હવે એક વધુ સ્ફોટક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એક જ એપોર્ટમેન્ટમાં કોરોનાના 22 કેસ મળી આવ્યા છે જેના કારણે આખા એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદના ગિરધરનગરના જુલી એપાર્ટમેન્ટમાં 22 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે. તંત્ર દ્વારા સોસાયટીને બંધ કરવામા આવી છે. અમદાવાદ કોર્પોરેશન કોરોનાના આંકડામાં ઘટાડો કહી રહ્યું છે તેની વચ્ચે એક જ સોસાયટીમાં આટલા બધા કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ સોસાયટીના તમામ લોકોને તેમના ઘરમાં રહેવા જ તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.
અનલોકનાં તબક્કામાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અમદાવાદમાં કેસો ઘટ્યા છે, જેની સામે સુરતમાં સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.