CoronaGujarat

રાજ્યમાં કડક નિયંત્રણો લંબાવાયા, વધુ 7 શહેરો સહિત 6 થી 12 મે સુધી 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ રહેશે

રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવો, ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા છે.
આ પહેલા આજે બપોર પહેલા જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ. જૂનાગઢની મુલાકાત વેળાએ મુખ્‍યમંત્રી રૂપાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે અઘિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં કોરોનાની પરિસ્‍થ‍િતિની સમીક્ષા કરી હતી.

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી.એસ.ટી વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે.
કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ 36 શહેરોમાં તા.6 મે-2021થી તા. 12 મે-2021 સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લિયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.મુખ્યમંત્રીએ ખાનગી ઓફિસોમાં 50 ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના જી.એસ.ટી. વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે.

આ નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રીએ આપી છે. આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.
આ 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button