સિડનીમાં મેચ દરમિયાન શ્રેયસ ઐય્યરને ઈજા પહોંચતા ICUમાં દાખલ, જાણો હાલમાં ક્રિકેટરની સ્થિતિ કેવી છે?

ભારતની વનડે ટીમના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐય્યરને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વન-ડે મેચ દરમિયાન પાંસળીમાં ઈજા થવાને કારણે સિડનીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ શ્રેયસને ICUમાં રાખવામાં આવ્યો છે કારણ કે તપાસમાં આંતરિક રક્તસ્રાવ (internal bleeding) જોવા મળ્યો છે.
સિડની વનડે મેચમાં શ્રેયસ ઐય્યરે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. તે કેચ તેણે બેકવર્ડ પોઈન્ટથી પાછળ દોડીને પકડ્યો હતો. જોકે આ દરમિયાન શ્રેયસ અસંતુલિત થઈને પડી ગયો અને તેના ડાબા પાંસળીના ભાગે જોરદાર ઈજા થઈ. ફીલ્ડિંગ પૂરી કરીને જ્યારે તેઓ ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા, ત્યારે દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધવા લાગી, જેના કારણે તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોના રિપોર્ટમાં અંદરથી રક્તસ્રાવ (internal bleeding)ની સમસ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે તેને ICUમાં ખસેડવામાં આવ્યો.
આ ઘટનાક્રમની જાણકારી રાખતા એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, ‘તેના સ્વાસ્થ્યમાં સુધારાના આધારે તેને 2 થી 7 દિવસ સુધી દેખરેખમાં રાખવામાં આવશે. રક્તસ્રાવના કારણે સંક્રમણને ફેલાવા રોકવા માટે આવું કરવું જરૂરી છે. ટીમના ડોક્ટર કોઈ જોખમ ન લેતા તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા. હવે હાલત સ્થિર છે, પરંતુ આ જીવલેણ બની શક્યું હોત.’
સૂત્રએ આગળ કહ્યું, ‘તે એક શાનદાર ખેલાડી છે અને જલ્દી જ ઠીક થઈ જશે. કારણ કે આંતરિક રક્તસ્રાવ થયો હોવાથી તેને ચોક્કસપણે ઠીક થવા માટે વધુ સમયની જરૂર પડશે. આ સમયે સ્પર્ધાત્મક ક્રિકેટમાં તેની વાપસી માટે કોઈ ચોક્કસ સમયસીમા નક્કી કરવી મુશ્કેલ છે.’



