જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું

રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે. હવે તેનો ભોગ સામાન્ય પ્રજા નહિ પરંતુ નેતાઓ, પોલીસ અધિકારીઓ અને IPS ઓફિસરો પણ બની રહ્યા છે. બે દિવસ પહેલા ગુજરાત કેડરના IPS ડો. વિપુલ અગ્રવાલના ફેક ફેસબુકની ઘટના તાજી છે ત્યાં અમદાવાદના જમાલપુર- ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ઇમરાન ખેડાવાલાના સગા સંબંધીઓ-મિત્રોને મેસેજ કરી PAYTMથી પૈસા માંગવામાં આવ્યા હતા. ઇમરાન ખેડાવાલા આ મામલે આજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવશે.
જમાલપુર- ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના ફોટો અને તેમના હોદા સાથેનું ફેસબુકનું ફેક એકાઉન્ટ અજાણી વ્યક્તિએ બનાવી સગાસંબંધીઓ- મિત્રોને મેસેજ કરી PAYTMથી પૈસા માંગવામાં આવ્યા હતા. 10,000 રૂપિયાની માગ કરી હતી. ખેડાવાલાના ધ્યાને આ બાબત આવતા તાત્કાલિક તેઓએ આ મામલે તેમના પોતાના સાચા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી લોકોને માહિતગાર કર્યા હતા. સાયબર ક્રાઈમના અધિકારીઓને જાણ કરી એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. આ મામલે આજે તેઓ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવવા જશે.
થોડા દિવસ પહેલા ગુજરાત કેડરના આઈપીએસ વિપુલ અગ્રવાલનું પણ કોઈએ નકલી ફેસબુક આઈડી બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. નકલી આઈડીથી અનેક લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. તેઓએ આ મામલે સાઈબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ કરી હતી. નિવૃત્ત IPS ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અરવલ્લી SP સંજય ખરાત સહિતના અધિકારીઓના પણ આવી રીતે જ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી અને મેસેજ કરી પૈસા માંગવામાં આવ્યા હતા. આ મામલે હજુ ગુજરાત પોલીસનું સાયબર ક્રાઈમ આરોપી સુધી પહોંચી શકી નથી.



