સુરતની યુફોરિયા હોટલમાં પાણીમાં પડી જતા દોઢ વર્ષના માસૂમનું મોત, 15 મિનિટ સુધી બાળક મારતું રહ્યું તરફડિયા

સુરત શહેરમાં આવેલી જાણીતી યુફોરિયા હોટલમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પરિવાર સાથે જમવા ગયેલા દોઢ વર્ષના બાળકનું પાણીમાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમવા માટે ગયેલા વિજયભાઈ સોની, તેમના પત્ની અને દોઢ વર્ષનો પુત્ર ક્રિસીવ આ હોટલમાં હતા. આ હોટલ ‘પાણીવાળી હોટલ’ તરીકે જાણીતી છે, જ્યાં ટેબલની આસપાસ પાણી ભરેલું હોય છે. ક્રિસીવ રમતા રમતા અચાનક પાણીમાં પડી ગયો.
આસપાસના લોકોના જણાવ્યા અનુસાર, બાળક લગભગ 15 મિનિટ સુધી પાણીમાં તરફડિયાં મારતું રહ્યું હતું. જોકે, પરિવાર અને હોટલના સ્ટાફની નજર તેના પર પડી ન હતી. જ્યારે ધ્યાન પડ્યું ત્યારે બાળકને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં હોટલની બેદરકારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ બાળકોની સલામતી અંગે ચિંતા ઉભી કરી છે.