દેશમાં મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 169 શહેરોને મળશે 10,000 નવી ઈલેક્ટ્રીક બસો, 55,000 નવી નોકરીઓ ઊભી થશે

દેશમાં ઈલેક્ટ્રીક બસોની મોટી ખરીદી માટે કેન્દ્ર સરકારે એક મહત્વની યોજનાને મંજૂરી આપી છે. પીએમ મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં “PM E-Bus Sevaને લીલીઝંડી આપી દેવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 10,000 નવી ઈલેક્ટ્રીક બસો ખરીદીને રાજ્યોને પૂરી પાડશે જેને માટે કુલ ખર્ચ 57,613 કરોડ આવશે. ઈલેક્ટ્રીક વાહનોના પ્રોત્સાહનની દિશામાં આ એક મોટું પગલું છે કારણ કે આ પહેલા ક્યારેક આટલી મોટી સંખ્યામાં બસો ખરીદાઈ નથી.
દેશના 169 શહેરોમાં 10,000 બસો પૂરી પાડવામાં આવશે અને 181 શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવામાં આવશે. નવી ઈલેક્ટ્રીક બસો શહેરોમાં આવવાને કારણે 45,000-55,000 ડાયરેક્ટ નોકરીઓ ઊભી થશે.
રેલવેના 7 પ્રોજેક્ટને પણ મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે રેલવે સાથે જોડાયેલા 7 પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ યોજનાઓ નવી રેલવે લાઇન નાંખવા અને રેલવે લાઇન અપગ્રેડ કરવા સાથે સંબંધિત છે. આ યોજનાઓ લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થશે.
અનુરાગ ઠાકુરે માહિતી આપી
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકારોને આ મુજબની માહિતી આપી હતી.



