આંધ્રના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, ભાગદોડમાં 9થી વધુ શ્રદ્ધાળુઓના મોત

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે કાસીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા નવ ભક્તોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
આંધ્રપ્રદેશના પ્રખ્યાત શ્રીકાકુલમના કાસીબુગ્ગામાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દેવઉઠી એકાદશીના પર્વે દર્શન માટે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. જેના કારણે ભાગદોડમાં અનેક ભક્તો ઈજાગ્રસ્ત થયા છે. ભીડ વધુ હોવાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. આ ઘટનામાં 9 જેટલા ભક્તોના મોત થયાનું પણ સામે આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી છે.
સવારથી જ મંદિરમાં ભીડ હતી-પ્રત્યક્ષદર્શી
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સવારથી જ મંદિરમાં ભીડ વધી ગઇ હતી અને પુરતી સુરક્ષા વ્યવસ્થા ના હોવાને કારણે સ્થિતિ બેકાબૂ બની હતી. સ્થાનિક તંત્રએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ભીડ નિયંત્રણમાં ક્યા ચૂક થઇ ગઇ.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કર્યું, “શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડની ઘટનાએ આઘાત પહોંચાડ્યો છે. આ દુ:ખદ ઘટનામાં ભક્તોનું મૃત્યુ અત્યંત હૃદયદ્રાવક છે. મેં અધિકારીઓને ઘાયલોને ઝડપી અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.”



