ભારત – અમેરિકા વ્યાપાર વિવાદનો આવશે અંત, 25 ટકા ટેરિફ ઘટાડી શકે છે ટ્રમ્પ

રશિયાથી ક્રૂડ આયાત કરવા બદલ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી શકે છે. અમેરિકા નવેમ્બર પછી ભારત પર લાદવામાં આવેલ વધારાનો ટેરિફ દૂર કરી શકે છે. રેસિપ્રોકલ ટેરિફના નામે અમેરિકાએ શરૂઆતમાં ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, પરંતુ બાદમાં તેને વધારીને 50 ટકા કરી દીધો. મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી છે કે 30 નવેમ્બર પછી કેટલીક આયાત પર લાદવામાં આવેલી દંડાત્મક ડ્યુટી (25 ટકા) પાછી ખેંચી લેવામાં આવશે.
કોલકાતામાં મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં CEA નાગેશ્વરને કહ્યું કે, આપણે બધા પહેલાથી જ આના પર કામ કરી રહ્યા છીએ, અને હું અહીં ટેરિફ વિશે વાત કરવા માટે થોડો સમય કાઢીશ. 25 ટકા મૂળ પારસ્પરિક ટેરિફ અને 25 ટકા દંડાત્મક ટેરિફ બંનેની અપેક્ષા નહોતી. હું હજુ પણ માનું છું કે, ભૂરાજકીય પરિસ્થિતિઓને કારણે બીજો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હશે. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં બનેલી ઘટનાઓને જોતા મારું માનવું છે કે, 30 નવેમ્બર પછી દંડાત્મક ટેરિફ લેવામાં નહીં આવે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ મુદ્દે વાટાઘાટો ચાલે છે. મને વિશ્વાસ છે કે આગામી થોડા દિવસોમાં દંડાત્મક ટેરિફ પર ઉકેલ આવી જશે. આશા છે કે આગામી થોડા મહિનામાં પારસ્પરિક ટેરિફના મુદ્દે ચોક્કસ ઉકેલ આવશે. ભારતનો નિકાસ વૃદ્ધિ દર હાલમાં વાર્ષિક 850 અબજ યુએસ ડોલર છે, તે 1 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાના રસ્તે છે. ટ્રમ્પે અનેક દેશોની મુલાકાત લઈ ટેરિફ લાગુ કરવા માટે કહ્યું હતું. પારસ્પરિક ટેરિફ લાદવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) લાગુ કર્યો હતો. આ 1977નો કાયદો છે જે વિદેશી કટોકટી દરમિયાન પ્રતિબંધો અને નાણાકીય નિયંત્રણો લાગુ કરવા માટે રચાયેલ છે. ભારત પર શરૂઆતમાં 25 ટકા ટેરિફ લાદ્યો પરંતુ પછી રશિયન ક્રૂડ ખરીદવા બદલ વધારાનો દંડાત્મક 25 ટકા ટેરિફ લગાવ્યો. જેનાથી ભારતીય નિકાસને પ્રતિકૂળ અસર થઈ હતી.