Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે . જેના અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થી આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે. જેમાં સુપર સ્પેશ્યાલીટી ડૉક્ટર જેવા કે હ્રદય રોગ, કેન્સર અને કિડનીના નિષ્ણાંતો દ્વારા નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો લાભ અપાશે.

આ ઉપરાંત રાજકોટ ખાતે પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે.

મંત્રી શ્રીએ ઉમેર્યુ કે, આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા ૧૪ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સેવાઓ માત્ર રોગ થયા પછીની સારવાર સુધી મર્યાદિત ન રહેતાં રોગ થતો અટકાવવા, આરોગ્ય સુધારવા અને રોગની સારવાર માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

કંઇ કંઇ સેવાઓનો લાભ મળશે ?

પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત સેવાઓ, રસીકરણ અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ, કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો , ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ અને સારવાર સંબધિત સેવાઓ, સિકલ સેલ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, આંખ, ENT સેવાઓ અને ડેન્ટલ સંબધિત સેવાઓ, મેદસ્વિતા જાગૃતિ, દેહ/અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર, આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબધિત સેવાઓ, રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ આપવામાં આવશે.

વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અંદાજે કુલ ૧,૪૧,૦૩૭ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૧,૦૦,૮૫૪, પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૨૦,૦૦૭, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૫,૫૯૦, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા ૯,૯૭૧ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૪,૬૧૫ જેટલા કેમ્પનો સમાવેશ થાય છે

આમ રાજ્યમાં ૧૦,૮૪૯ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને ૧,૩૦,૧૮૮ સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરીને નાગરિકોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે.

કયા ટેસ્ટ નિ:શુલ્ક કરાશે ?

આ પખવાડીયા દરમ્યાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પમાં આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેક-અપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજીકલ ટેસ્ટ જેવા કે એક્સ-રે, સોનોગ્રાફી, MRI સી.ટી. સ્કેન વગેરે નિ:શુલ્ક કરવામાં આવશે. વધુમાં 15 દિવસના સમયગાળા દરમિયાન તબીબો દ્વારા કેમ્પમાં પ્રિસ્ક્રાઇબ કરેલા ટેસ્ટને પછીથી પણ નિયતસમયમર્યાદામાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત રાજ્યમાં ૬૦૦ જેટલી જગ્યાએ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય સેવાના આ પખવાડિયામાં રાજ્યની પ્રત્યેક મહિલાઓ તેમના પરિવારજનો સહિત તમામ નાગરિકોને બહોળી માત્રામાં કેમ્પનો લાભ લેવા માટે આરોગ્ય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો, PM મોદીના જન્મદિને રક્તદાનનો મહાયજ્ઞ : 75 દેશોમાં 7500 બ્લડ કેમ્પ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય આયોજન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button