PM મોદીએ કહ્યું- ટ્રિપલ તલાકનો ઇસ્લામ સાથે સંબંધ નથી, યુનિફોર્મ સિવિલ કોડ પર શંકા દૂર કરશે BJP

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં છે. તેમણે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશની પાંચ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈને વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એકસાથે રવાના થઈ હતી. આ પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ ટ્રેનો મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.’
વડાપ્રધાન ભોપાલથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપ્રચારની શરૂઆત કરવા આવ્યા છે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ‘મારું બૂથ, સૌથી મજબૂત’ અભિયાન હેઠળ 543 લોકસભાના 10 લાખ અને મધ્યપ્રદેશમાં 64,100 બૂથના કાર્યકરોને ડિજિટલી સંબોધન કર્યું હતું. અહીં રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી હજારો કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાને ‘મારું બૂથ-સૌથી મજબૂત’માં પાર્ટીના એક કાર્યકરના સવાલના જવાબમાં કહ્યું, આંગણવાડીમાં જન્મદિવસની ઉજવણી કરો, પિતાજીની પુણ્યતિથિ પણ આંગણવાડીમાં મનાવો, લગ્નની વર્ષગાંઠ પણ આંગણવાડીમાં ઊજવો. તેને ઘરેથી ખાવાનું બનાવીને આ બાળકોને ખવડાવો. આનાથી તમે તેનો આનંદ માણશો અને આ બાળકોનું કુપોષણ પણ દૂર થશે.
PM કહ્યું, ‘જે કોઈપણ ટ્રિપલ તલાકની તરફેણમાં વાત કરે છે અને વકીલાત કરે છે, તેઓ વોટ બેંકના ભૂખ્યા છે. તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે મોટો અન્યાય કરી રહ્યા છે.’