Ahmedabad: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આઈડિયાથોન 2025 – અવધારણા નું આયોજન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તેના ચાંદખેડા ખાતે આવેલા કેમ્પસમાં તાજેતરમાં જ ‘નેશનલ ઈનોવેશન પિચ ફેસ્ટ આઈડિયાથોન 2025: અવધારણા’ ની 3જી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન પૂરું પાડવાની સફરમાં એક મહત્વપૂર્ણ તથા સીમાચિહ્નરૂપ આયોજન છે.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી 80થી વધુ ગતિશીલ ટીમોનું પ્રતિનિધિત્વ કરતા 125 પુરુષો અને 67 મહિલાઓ સહિત 192 ઇનોવેટર્સે ભાગ લીધો હતો. આ યુવાનોએ ચાર મુખ્ય થીમ હેઠળ પરિવર્તનશીલ વિચારો રજૂ કર્યા હતા:
(1) ફિનટેક (નાણાકીય સમાવેશ માટે ડિજિટલ નવીનતા),
(2) એગ્રીટેક (ટેકનોલોજી દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા),
(3) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- મશીન લર્નિંગ (કૃત્રિમ બુદ્ધિમત્તા અને મશીન લર્નિંગનો ઉપયોગ), અને
(4) ટકાઉપણું (હરિયાળા, સ્થિતિસ્થાપક ભવિષ્યનું નિર્માણ).
આ દરેકનો ઉદ્દેશ્ય નવીન વિચારસરણી અને ટેકનોલોજી-આધારિત ઉકેલો દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોને સંબોધવાનો હતો.


ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક ખાસ સત્ર દરમિયાન જણાવ્યું કે, “આજે તમે જે વિચારો વાવો છો તે આગામી પચાસ વર્ષ માટે સમાજની શક્તિને નવો આકાર આપશે. ટકાઉ વિચારો, જવાબદારીપૂર્વક નવીનતા લાવો,’. આ દરમિયાન, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓએ રાજ્યમંત્રી સાથે સીધી વાતચીત કરી હતી. સાથે જ તેમણે ઇનોવેશન કેવી રીતે ટકાઉ અને સમાવિષ્ટ ભવિષ્યને આગળ ધપાવી શકે છે તે અંગે મૂલ્યવાન સમજ મેળવી.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે, વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ઇનોવેશનને સશક્ત બનાવતા ભવિષ્ય માટે એક ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવવા માટેની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. આ કાર્યક્રમમાં જીટીયુ -એસએમએસના ડિરેક્ટર ડૉ. પંકજરાય પટેલ; જીટીયુ વેન્ચર્સના ડિરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટ; જીટીયુ વેન્ચર્સના ડિરેક્ટર ડૉ. મિહિર શાહ; જીટીયુના ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ઇન્ડસ્ટ્રી કોલાબોરેશન વિભાગના ડિરેક્ટર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડૉ. કેયુર દરજી; જી.પી.ઈ.આર.આઈ.ના પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ વિભાકર; ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટરના ગ્રુપ સીઈઓ ડૉ. તુષાર પંચાલ સહિત અનેક પ્રખ્યાત શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.


જી.ટી.યુ. વેન્ચર્સ (એઆઈસી જીઆઈએસસી ફાઉન્ડેશન, જીઆઈએસસી-જીટીયુ અને ડિઝાઇન ઇનોવેશન સેન્ટર) દ્વારા જીટીયુ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સહયોગથી આયોજિત આ કાર્યક્રમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ), ડીએસટી-નીધિ, એસએસઆઈપી અને ઇનોવેશન ઇકોસિસ્ટમના અન્ય ઘણા ભાગીદારો તરફથી મજબૂત સમર્થન મળ્યું હતું.


ભવિષ્યને ધ્યાનમાં રાખીને, જી.ટી.યુ. વેન્ચર્સ પસંદગી પામેલી ટીમોને ઇન્ક્યુબેશન સપોર્ટ આપશે, તેમને તેમના વિચારોને વધુ વિકસાવવા અને તેમને સક્ષમ સ્ટાર્ટઅપ્સમાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ વ્યૂહાત્મક પગલું ટેકનોલોજીની રીતે અદ્યતન, સામાજિક રીતે સમાવેશક અને પર્યાવરણીય રીતે જવાબદાર ભવિષ્યના નિર્માણમાં જી.ટી.યુ.ની ભૂમિકાને પુનઃપુષ્ટિ આપે છે. ‘આઈડિયાથોન-2025’ની ભવ્ય સફળતા ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે ગુજરાતના વધતા કદને પણ રજૂ કરે છે.