Ahmedabad

અમદાવાદના કુબેરનગરમાં મધરાતે 3 માળનું કોમ્પ્લેક્ષ ધરાશાયી, એકનું મોત

અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા A-વોર્ડ રેલવે ફાટક પાસે આવેલી પ્રેમ બિલ્ડિંગનું ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ધરાશાયી થયું હતું. મધરાતે બિલ્ડિંગ ધરાશાયી થયું એ સમયે ત્રણ યુવકો અંદર કામ કરી રહ્યાં હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ત્રણ યુવકો સિલાઇ કામ કરતાં હતાં
આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઇ કામ કરી રહ્યાં હતા. એ સમયે ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. બિલ્ડિંગ પડવાનો અવાજ સંભળાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા, સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ અંદર ફસાયેલા ત્રણ યુવકનો બચાવવા પ્રયાસો કર્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

કુબેરનગરમાં મધરાતે બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અંદર ફસાયેલા ત્રણ યુવાનોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ફસાયેલા યુવકોને બચાવવાની કામગીરી પાંચ કલાક ચાલી હતી. ત્રણ યુવકોને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકનું નામ પ્રેમાભાઈ ચારણ (ઉ.વ. 23, રહે. કુબેરનગર) હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના કોટ વિસ્તારમાં અનેક જર્જરીત મકાનો આવેલા છે. છેલ્લા પાંચ દિવસમાં કોટ વિસ્તારમાં મકાન પડવાની આ બીજી ઘટના બની છે. કુબેરનગરમાં સ્થાનીકો ભરઉંઘમાં હતા એ સમયે મોટા ધડાકા જેવો અવાજ આવ્યો હતો. ધડાકાભેર કંઇક પડ્યું હોય તેવો અવાજ સંભળાતા રહીશો બહાર આવી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણ થતાં બિલ્ડિંગની આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોમ્પલેક્ષ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને મોડી રાતે ધરાશાયી થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button