National

ચૂંટણી 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતીકાલે મતદાન, ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં સીલ

મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૩૮ બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે ગત રોજ બંને રાજ્યોમાં ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના યુબીટી અને એનસીપી-એસપીની બનેલી મહાવિકાસઅઘાડી અને ભાજપની આગેવાની હેઠળની શિવસેના-શિંદે અને એનસીપી અજીત પવારની મહાયુતિ સત્તા હાંસલ કરવા આમને સામને ચૂંટણી લડી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાઅઘાડી વચ્ચે કાંટાની ટક્કર

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સમૃદ્ધિ માર્ગ અને મુંબઇ મેટ્રોના વિકાસકાર્યો અને લાડકી બહિન યોજનામાં અપાતી રકમ વધારવાના તથા મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની ઇકોનોંમી બનાવવાના વચનો  ચૂંટણી પ્રચારમાં આપ્યા છે. મહાયુતિને વિકાસતરફી દર્શાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સઘન પ્રચાર કર્યો છે. 

 મહાવિકાસ અઘાડીએ પણ દમદાર પ્રચાર કર્યો છે.  શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ  તેમના પ્રચારમાં પાક વીમા લોન માફી, જાતિ ગણતરી અને અનામતની મર્યાદા વધારવા જેવા મુદ્દા પર ભાર મુક્યો હતો. મહારાષ્ટ્રમાં  બુધવારે ૯.૭૦ કરોડ મતદારો ૧,૦૦,૧૮૬ મતદાનમથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી ૧૫૮ પક્ષોના તથા અપક્ષો મળી કુલ ૪,૧૩૬ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 

બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૩૮ બેઠકો પર ચૂંટણી લડી રહેલાં ૫૨૮ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે ભાજપના બાબુલાલ મરાંડી ચૂંટણી લડી રહ્યા છે. બીજી મહત્વની ચૂંટણી અમર બાઉરી અને સુદેશ મહતો વચ્ચે થશે. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બેઠકો પર પ્રભૂત્વ ધરાવનારો ઝારખંડ મુક્તિ મોરચો  ઇન્ડિયા બ્લોકના ટેેકા સાથે આ બેઠકો પર તેની પક્કડ જાળવી રાખવા મથશે,  તો ભાજપની આગેવાની હેઠળ એનડીએ પુનરાગમન કરવાની આશા સાથે ચૂંટણી લડી રહ્યા  છે. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં ૧.૨૩ કરોડ મતદારો ૧૪,૨૧૮ મતદાનમથકે  તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને રાજ્યોમાં પ્રચારનો અંત આવવા સાથે મતદારો હવે આખરી નિર્ણય લઇ તેમના નેતાઓને ચૂંટવા સજ્જ બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button