જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણ મામલો:એટેન્ડન્ટ્સ યુવતીઓની જાતિય સતામણી મામલે CM અનેઆરોગ્ય સચિવે તપાસના આદેશ આપ્યા

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ્સ યુવતીઓનું શારીરીક શોષણ અને જાતિય સતામણી થતી હોવાનાે સનસનીખેજ અહેવાલ પ્રસિધ્ધ થતાંની સાથે જ રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે અને પાટનગર ગાંધીનગર પણ ખળભળી ઉઠ્યું છે. બુધવારે સવારથી જ ખળભળી ઉઠેલી રાજ્ય સરકારે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ છાેડી દીધા હતાં અને મુખ્યમંત્રી તથા આરોગ્ય સચિવે પણ સવારમાં જ જામનગર જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવ સાથે સીધી વાત કરતા પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સાથોસાથ જામનગર શહેરના મહિલા સંગઠનો પણ આ મામલે મેદાનમાં આવી ગયા છે અને તેમણે વહીવટી તંત્રને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી છે કે, 48 કલાકમાં કસૂરવારો સામે યોગ્ય કાર્યવાહી નહી કરો તો મહિલા સંગઠનો હાથ જાેડીને બેસી નહી રહે.
કોરોનાની બીજી વેવ દરમિયાન જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બે હજાર કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેઓની દેખરેખ માટે 500 કરતા વધુ એટેન્ડન્ટની નિમણૂક કરવામા આવી હતી. આ એટેન્ડન્ટ પૈકીની કેટલીક મહિલા એટેન્ડન્ટ દ્વારા તેઓના સુપરવાઈઝર પર ગંભીર આક્ષેપો કરાયા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. જો મહિલા એટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરવામા આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો.
મહિલા એટેન્ડન્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આક્ષેપોના મામલાની મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગંભીર નોંધ લેવામા આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે સવારે જામનગર કલેકટર સાથે ફોન પર વાતચીત કરી આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.
પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના
મુખ્યમંત્રીના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે. આ કમિટીમાં પ્રાંત અધિકારી, એએસપી અને ડેન્ટલ કોલેજના ડીનનો સમાવેશ કરાયો છે. કમિટી દ્વારા હાલ મહિલા એટેન્ડન્ટના નિવેદન લેવાની શરૂઆત કરવામા આવી છે.



