AMCનું વર્ષ 2025-26નું 15502 કરોડનું બજેટ:ભાજપના સત્તાધીશોએ 1501 કરોડનો વધારો કર્યો

AMCનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સપ્તાહ પહેલા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે સ્ટેન્ડિગ કમિટીમાં રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ સુપરત કર્યું હતું. આ વર્ષે કેન્દ્રીય અને રાજ્યના બજેટમાં ટેક્સનો મુદ્દો મહત્ત્વનો રહ્યો છે. AMCના આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025-26 માટે રહેણાંક મિલકતનો પ્રતિ ચોરસ મીટર રૂ. 20.80 અને બિન રહેઠાણ મિલકતો માટે રૂ. 35.36 ટેક્સનો દર રહેશે.
ઇલેક્ટ્રીક વાહનો પર 100 ટકા રાહત
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરાયેલા બજેટ મુજબ એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રીબેટ અપાતો હતો તેમાં વધારો કરીને 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચુકવનારને કુલ 15 ટકા જેટલું પ્રિબેટ આપવામાં આવશે. તમામ ઇલેક્ટ્રીક વાહનો પર 100 ટકા રાહત આપવામાં આવી છે.



