હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, સંગઠનને મજબૂત કરવા રણનીતિ તૈયાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કેન્સલ થયો છે.મળતા અહેવાલ પ્રમાણે ખરાબ હવામાનના કારણે રાહુલ ગાંધીની હવાઈ યાત્રા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જુનાગઢ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગમાં ફરીથી આવવાના હતા.
જિલ્લા સ્તરે કોંગ્રેસના માળખાને વધુ મજબૂત બનાવી વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે નક્કી કર્યુ છે જેના ભાગરુપે સમગ્ર દેશમાં ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. હવે જ્યારે પ્રદેશના નેતાઓ કરતાં જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા નક્કી કરાયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પર દિલ્હીથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.
સૂત્રોના મતે, વિધાનસભાની ચૂંટણીને જોતાં હાઇકમાન્ડે સૌથી પહેલાં ગુજરાત કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા નક્કી કર્યુ છે સાથે સાથે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકયો છે. આ જોતાં ખુદ રાહુલ ગાંધી હવે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. રાહુલ ગાંધી હવે દરેક જિલ્લામાં એકાદ વાર જઈ કાર્યકરના ઘેર રોકાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં અડિંગા જમાવશે.