PM મોદી આવતીકાલે ભાવનગરની મુલાકાતે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગરના પ્રવાસે આવશે. ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરશે તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદીનો ભાવનગરના એરપોર્ટથી રોડ શો કરીને તેઓ જવાહર મેદાન પહોંચશે. જ્યાં તેઓ જાહેર સભાને સંબોધવાના છે. ભાવનગરના પ્રવાસ દરમિયાન ભાવનગર-અલંગ સહિત સમગ્ર દેશના મહત્ત્વના પોર્ટના શિપિંગ-મેરિટાઈમ સહિતના જુદા-જુદા પ્રકલ્પોના 1.50 લાખ કરોડના એમઓયુ કરશે. આ ઉપરાંત સાગરમાલા 2.0ના 75 હજાર કરોડ, મેરિટાઈમ ડેવલપમેન્ટ બોર્ડના 25 હજાર કરોડ, શિપ બિલ્ડિંગ ડેવલોપમેન્ટના 19,989 કરોડના કામની ઘોષણા કરશે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ થઈ રહેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવાના છે. સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવશે. ઉલ્લેખનીય છે કે, 25 દિવસમાં વડાપ્રધાન મોદીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.
આ પણ વાંચો, દરિયા કિનારે નિકિતા શર્માએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફીગર