મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. મુંબઈથી ભાગલપુર જતી લોકમાન્ય તિલક ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેનની કપલિંગ તૂટી જવાના કારણે પાછળના ત્રણ કોચ અલગ થઈ ગયા હતા. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ચાર કલાક પછી ટેકનિકલ ટીમે ટ્રેનના કોચને ફરીથી જોડ્યા તો ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ દુર્ઘટના ગઈકાલ એટલે કે,26 ઓક્ટોબરની રાત્રે 2:54 કલાકે મઝગવન અને ટિકરિયા રેલવે સ્ટેશન વચ્ચે ઘટી હતી.
આ દુર્ઘટનાનું મુખ્ય કારણ કપલિંગ તૂટી જવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી ટ્રેનના કોચ અલગ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ કોચમાં અંદાજે 200-250 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી સામે આવ્યા. રેલવેની એક ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ ચાર કલાકની મહેનત બાદ કોચ ફરીથી જોડ્યા અને સવારે લગભગ 7 કલાકે ટ્રેન રવાના કરવામાં આવી હતી.
આ દુર્ઘટના અંગે રેલવેના ઝાંસી ડિવિઝન વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તો કેટલાક મુસાફરોએ આ ઘટનાનો વીડિયો બનાવીને શેર કર્યા છે. સ્થાનિક લોકોએ રેલવે ટ્રેકનું નિયમિત નિરીક્ષણ કરવાની માંગ કરી છે, કારણ કે થોડાક દિવસોથી ચિત્રકૂટમાં ટ્રેન અકસ્માતો વધી રહ્યા છે.



