Gujaratઉત્તર ગુજરાત

બનાસકાંઠામાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ 283 કરોડના MOU પર હસ્તાક્ષર થયા

બનાસકાંઠામાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ 283 કરોડના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ ૨૮૩ કરોડના ૬ જેટલા MOU કરાયા હતા જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPG ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે ૨૧૦ કરોડના MOU કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ ૧૧ હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગીક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડકટના પ્રદર્શન માટે કુલ ૩૬ સ્ટોલ ઊભા કરાયા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્દઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉધોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે દેશ વૈશ્વિક લેવલે મોખરાનું સ્થાન ધરાવે છે. આયાતકારો અને નિકાસ વધારવા તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આજે દેશમાં અનેક સરળ પોલિસીઓ અમલમાં મૂકવામાં આવી છે. મેક ઇન ઇન્ડિયા તથા મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દેશના લોકોને સતત ઉધોગો માટે પ્રોત્સાહિત કરે છે. નાગરિકોએ સ્વદેશી પ્રોડક્ટ અપનાવીને દેશના વિકાસમાં ફાળો આપવો જોઈએ. તેમણે ઉપસ્થિતોને જણાવ્યુ કે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવીન ધંધા રોજગાર કરવા શરૂઆત કરવી જોઈએ.

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આપણો દેશ ધંધા રોજગાર માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવે છે. આજે બનાસકાંઠા અનેક ક્ષેત્રમાં રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જિલ્લામાં મારબલ, એગ્રો, ડેરી સહિતના અનેક ધંધા અગ્રેસર બન્યા છે. તેમણે પ્રોડકટનું વેલ્યુ એડીશન કરીને વેચવા માટે આહવાન કર્યું હતું. આજે AI અને વર્ચ્યુઅલ દુનિયામાં બ્રાન્ડિંગ અને વેચાણ કરવું સહેલું બન્યું છે. તેમણે ઉપસ્થિતોને બનાસ ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે બનાસ ડેરીએ અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા અને છેલ્લા ૧૦ વર્ષમાં ૨૩ હજાર કરોડનું નેટવર્ક બનાવ્યું છે. બનાસકાંઠામાં ૨૮ લાખ ૫૦ હજાર જેટલા પશુઓ છે. બનાસ ડેરીએ પશુઓના ગોબર થકી પાંચ જેટલા સી.એન.જી પંપ બનાવ્યા છે. આનાથી પશુપાલકોને પણ ગોબરમાંથી આવક મળતી થઈ છે તથા પર્યાવરણ માટે પણ કામ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્રોડકટનું ક્વોલિટી જાળવવું, નવીન શોધો અને તકનીકોનો અપનાવવી, ઇનોગ્રેશન કરવું જરૂરી છે. આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રિડિંગ સેન્ટર બનશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૩ થી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશમાં ગુજરાતને વિકાસની અગ્ર હરોળમાં લાવવા માટે સફળતા મળી છે. ગુજરાતમાં આજે વિશ્વની ટોપ ૫૦૦ પૈકી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં આવી છે જેના થકી સ્થાનિક અનેક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે. ૧૮,૭૫૩ માથાદીઠ આવક વધીને આજે ૨ લાખ ૭૩ હજાર થઈ છે. જી.ડી.પી ૮.૪ ટકા સાથે વધી રહ્યો છે.

મંત્રીએ જણાવ્યું કે, આપણો દેશ ભૂતકાળમાં સોનાની ચિડિયા તરીકે ગણાતો હતો તે જ મુજબ દેશને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. સરળ ઉધોગ નીતિઓ થકી દેશ આજે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થામાં સામેલ થયો છે. યુવાનોની સ્કીલ ડેવલપ કરવા ગુજરાતમાં સૌપ્રથમ સ્કીલ યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. નાના ઉધોગકારોને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે. તેમણે આ કોન્ફરન્સ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજ્ય સરકારના ઉધોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ બનાસકાંઠા જિલ્લામાં ઉપલબ્ધ ઉદ્યોગોની તકો, વાઇબ્રન્ટ ગુજરાત અને આગામી આયોજન અંગે ઉપસ્થિતઓને માહિતગાર કર્યા હતા. બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ ચાર ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, કમિશનર પી.સ્વરૂપજી, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત જિલ્લાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, સોનમ વાંગચુકની ધરપકડ, લેહ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button