ભારતીય મૂળના મમદાની બન્યા ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકીઓ છતાં મેળવી જીત

અમેરિકાના સૌથી મોટા શહેરોમાંના એક ન્યૂયોર્કમાં એક નોંધપાત્ર ઘટના બની છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીના મેયર તરીકે ચૂંટાયા છે. તેમણે મેયરની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. છેલ્લા 100 વર્ષમાં મમદાન ન્યૂયોર્કના સૌથી યુવા અને પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છતા ન હતા કે મમદાન જીતે, પરંતુ હવે ટ્રમ્પને પણ ઝટકો લાગ્યો છે.
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક સિટીમાં મેયરની ચૂંટણી જીતી લીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીઓ અને ટીકાઓ વચ્ચે ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક સિટીની મેયરની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર અને ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવા સામે જીત મેળવી હતી.
મમદાન માત્ર 34 વર્ષની ઉંમરે ન્યૂ યોર્ક સિટીના મેયર બન્યા છે. તેઓ ચૂંટણી મતદાનમાં આ પદ માટે સૌથી પ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. મમદાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મીરા નાયરના દીકરા છે અને તેઓ પોતે પણ મ્યૂઝિકલ આર્ટિસ્ટ રહી ચૂક્યા છે. તેમનો જન્મ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. જોકે, તેઓ સાત વર્ષની ઉંમરે ન્યૂ યોર્ક આવી ગયા અને નાગરિક બન્યા હતા.
ન્યૂ યોર્કના મેયરની ચૂંટણીમાં મમદાની સાથે અન્ય બે ઉમેદવારો મેદાનમાં હતા. ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જોકે તેઓ અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય હતા. રિપબ્લિકન પાર્ટીએ પણ કર્ટિસ સ્લિવાને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ કુઓમો અને કર્ટિસ નિરાશ થયા હતા. બંને ઉમેદવારો મતદાનમાં પાછળ હતા.
શહેરના ચૂંટણી બોર્ડે અહેવાલ આપ્યો છે કે 20 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જે 1969 પછી મેયરની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન છે. શહેરની વસ્તી આશરે 8.5 મિલિયન છે. ઝોહરાન મમદાનીના અચાનક ઉદયથી શહેરના શ્રીમંત વર્ગને આશ્ચર્ય થયું છે. રિપબ્લિકન અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ મમદાનનો સખત વિરોધ કર્યો છે.



