Gujaratગુજરાત

Gandhinagar: શ્રમ અને રોજગાર મંત્રીના હસ્તે વિવિધ MOU હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા ITIના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું

આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રાજ્યના રોજગારવાન્છું યુવાનો માટે કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી, નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રીના હસ્તે કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બીલીમોરા અને માંડવી –સુરતનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૮૫ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ITI ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકા નવનિર્મિત મકાનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા વર્ચ્યુલી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, જી.એન.એફ.સી. ભરૂચના તાબા હેઠળ ચાલતી ‘નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી’ સાથેના એમ.ઓ.યુ. થકી કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ ટર્મ-લોંગ ટર્મ કોર્ષ માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ – ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તથા અન્ય ઉદ્યોગોના ટ્રેનરને તાલીમબદ્ધ કરાશે, બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે, રિસર્ચ-કન્સલ્ટિંગ બાબતે કામગીરી કરાશે તેમજ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓમાં રાજ્યના યુવાનો માટે તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

આ એમ.ઓ.યુ.થી નેમટેક દ્વારા ચલાવતા અભ્યાસક્રમને કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી દ્વારા નિયમનુસાર એફિલીએશન પ્રદાન કરવામાં આવશે, યુનિવર્સીટી દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ-લોંગ ટર્મ કોર્ષમાં સમયની માંગ અનુસાર મંજૂર કરી ચલાવાશે, થીયરી, પ્રેક્ટિકલ, ડેમોસ્ટ્રેશન, લેબોરેટરી, વર્કશોપ વગેરેની ફેસીલીટી પૂરી પાડવામાં આવશે, તાલીમ કાર્ય માટે નિષ્ણાંત ફેકલ્ટીની સેવાઓ નેમટેક દ્વારા પૂરી પાડવામાં આવશે, સમયાંતરે ટ્રેનર્સને તાલીમ અપાશે તેમજ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નેમટેક પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે.

કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી અને અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન એમ.ઓ.યુ. થકી લોજિસ્ટિક સેકટરને લગતા નવીન અભ્યાસક્રમો એસોસિએશનની મદદથી તૈયાર કરવામાં આવશે, રાજ્યના યુવાધનને રોજગારી તેમજ સ્વરોજગારી આપવા માટે જરૂરી સ્કિલ આપી મદદરૂપ થશે, લોજિસ્ટિક સેકટરને લગતા ઉદ્યોગગૃહોની માંગને અનુરૂપ તાલીમ અને રિસર્ચ બાબતે સંબંધિત ઉદ્યોગગૃહો સાથે જોડાણ કરવામાં આવશે, આ એસોસિએશન ઉદ્યોગની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીઓ અને કૌશલ્યો વિશે જાગૃતિ લાવવા માટે સહાય રૂપ થશે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા સ્કુલ ઓફ ડ્રોન અંતર્ગત અત્યાર સુધી બે ડ્રોન પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ સ્વર્ણિમ યુનિવર્સિટી અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી કેમ્પસ, શિલજ ખાતે કાર્યરત છે. રાજ્યના યુવાધનને ડ્રોન પાયલોટની તાલીમ ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્યની ૧૯ આઈ.ટી.આઈ. સંસ્થાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે હાથ ધરી છે. જે પૈકી પ્રથમ તબક્કામાં આઈ.ટી.આઈ. બીલીમોરા અને આઈ.ટી.આઈ. માંડવી-સુરતને કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડી.જી.સી.એ. નવી દિલ્હી તરફથી રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડ્રોન પાયલોટ તાલીમ કેન્દ્રની માન્યતા પણ પ્રાપ્ત થઇ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના યુવાનો ડ્રોન પાયલોટ ટ્રેનિંગનાં માધ્યમથી કૃષિ, રિઅલ એસ્ટેટ, ફિલ્મમેકિંગ, ઇન્સ્પેક્શન જેમ કે પાવર લાઈન, ઓઈલ પાઇપલાઇન, સર્વે અને મેપિંગ જેવા ક્ષેત્રોમાં ટ્રેઇન્ડ ડ્રોન પાઇલોટની કામગીરી કરી શકશે. યુવાનો આ ટ્રેનીંગનાં માધ્યમથી ફોટોગ્રાફી-વિડિઓગ્રાફી, એરિયલ સર્વેની કામગીરી કરીને સારી આજીવિકા પણ કમાઇ શકે છે.

આ પ્રસંગે ભાવનગર ખાતે આવેલા ઔધોગિક તાલીમ સંસ્થાના રૂપિયા ૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ૪૫ વર્કશોપ, ૩૫ થીયરીરૂમ, ૧૪ અન્ય રૂમ તેમજ આઈ.ટી લેબ બનવવામાં આવી છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા ખાતે રૂપિયા ૧૪ કરોડથી વધુની રકમમાં ૨૨ વર્કશોપ, ૧૭ થીયરીરૂમ, ૧૪ અન્ય રૂમ, લાઈબ્રેરી તેમજ આઈ.ટી લેબ બનવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે ૦૯ વર્કશોપ, ૦૯ થીયરીરૂમ, ૦૮ અન્ય રૂમ, લાઈબ્રેરી અને આઈ.ટી લેબ સહિતની સુવિધાઓ રાજ્યનાં યુવાનો માટે કુલ રૂ. ૫૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનુ મંત્રીશ્રીના હસ્તે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના ધારાસભ્યો તેમજ અગ્રણીઓ, શ્રમ- કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, જી.એન.એફ.સી.ના એમડી ડૉ. ટી. નટરાજન, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટીના ડાયરેક્ટર જનરલ ડો. એસ.પી.સિંઘ, રજિસ્ટ્રાર રેખા નાયર, ચીફ સ્કિલ કોર્ડીનેટર પી.એ.મિસ્ત્રી, એક્સઝીક્યુટિવ ડાયરેક્ટર મુરતજા સમશી, એન.આર.ડી.એસ.ના ફંકશનલ હેડ નિતેશ નાયક અને લીગલ હેડ રિકેશ પટેલ, નેમટેકના ડાયરેક્ટર અરુણકુમાર પિલ્લાઈ, અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનના પ્રમુખ પરાગ બરાઈયા, વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. દર્શન મશરૂ તેમજ સેક્રેટરી વિરલ ઝવેરી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Gandhinagar: CMએ 4.25 લાખ જેટલા SMCના સભ્યો સાથે વિડિયો સંવાદ સાધ્યો, શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button