મહેલ જેવા ફ્લેટ ધારાસભ્યોને ફાળવાયા, હાર્દિક પટેલ આ નેતાના પાડોશી, કોને ક્યા નંબરનો ફ્લેટ મળ્યો, કેવી રીતે થાય નક્કી?

ગાંધીનગરનાં સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ બનાવવામાં આવ્યા છે. સેક્ટર 17 ખાતે સમગ્ર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. દરેક બિલ્ડિંગમાં કુલ 9 માળ છે. તેવ કુલ 12 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લોર પર 2 ફ્લેટ તૈયાર કરવામાં આવ્યાં છે. ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિતના આ 5BHK ફ્લેટમાં ફ્લેટ દીઠ 1.50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. 23 ઓક્ટોબરે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન બાદ હવે આ ફ્લેટની ધારાસભ્યોને ફાળવણી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે 25 મંત્રીઓને બંગલો ફાળવી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી 26 નંબરના બંગળોમાં જ રહે છે. હવે ધારાસભ્યો માટે તૈયાર કરવામાં આવેલા સંકુલમાં 150 ધારાસભ્યોને ફ્લેટની ફાળવણી રેન્ડમ બેલેટિંગ પધ્ધતિથી કરવામાં આવી. એટલે કે 176 ધારાસભ્યોને તેમના આવાસ મળી ગયા છે. જણાવી દઈએ કે ફ્લેટ ફાળવણી માટે 11 મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર 6 ફાળવવામાં આવ્યો.
મળતી માહિતી પ્રમાણે, ભાજપના અલ્પેશ ઠાકોરને બ્લોક નંબર-1માં 802 નંબરનો ફ્લેટ ફાળવાવામાં આવ્યો, જ્યારે કોંગ્રેસના અમૃતજી ઠાકોરને 801 નંબરનો ફ્લેટ ફાળવાયો છે. ત્યારે બ્લોક નંબર-2માં અમિત ઠાકરને 801 અને હાર્દિક પટેલને 802 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાને 702, બાબુ જમના પટેલને 701 નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો છે. આપના હેમંત ખવાને 802 અને ભાજપના ઉદય કાનગડને 801 નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયાને 101 અને ભાજપના દેવા માલમને 102 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીને બ્લોક નંબર 6માં 301 નંબરનો ફ્લેટ, ડૉ. દર્શિત શાહને 302, સંગીત પાટિલને 501 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો.
રેન્ડમ બેલેટિંગ પદ્ધતિ ફાળવણીની પારદર્શક પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિગત પસંદગી અથવા કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર કમ્પ્યુટર સોફ્ટવેરથી રેન્ડમ રીતે ફાળવણી થાય છે. સૌથી પહેલા સદસ્ય નિવાસ સમિતિએ ધારાસભ્યોને વિવિધ જૂથ (પુરુષ-મહિલા)માં વિભાજિત કર્યા. પછી દરેક જૂથને 9 બ્લોક રેન્ડમ બેલેટીંગ પદ્ધતિ દ્વારા ફાળવવામાં આવ્યા. આ પછી દરેક જૂથના સભ્યોને તેમના જૂથના બ્લોકમાં આવેલા અલગ-અલગ મકાનોની ફાળવણી પણ રેન્ડમ બેલેટિંગ પદ્ધતિથી કરવામાં આવી.
આ સદસ્ય નિવાસ સંકુલનું નિર્માણ કુલ 28,576 ચોરસ મીટરમાં થયું છે અને એક ફ્લેટનો બિલ્ટઅપ એરિયા 2562 સ્કવેર ફૂટ છે, જેમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમ સહિતની સુવિધા છે. એક ફ્લેટનો કાર્પેટ એરિયા 1829 સ્કવેર ફૂટ છે.
- માસ્ટર બેડરૂમ – 11.9 બાય 15.9 ફૂટ
- લિવિંગ રૂમ – 224 સ્કવેર ફૂટ
- કિચન – 12 બાય 12 ફૂટ
- ટોઈલેટ – 50 સ્કૂવેર ફૂટ
- બાલ્કની – 11.3 બાય 11.9 ફૂટ
નવા MLA ક્વાટર્સમાં કઈ-કઈ સુવિધાઓ મળશે?
- કુલ 5 રૂમ
- 3 માસ્ટર બેડરૂમ
- 3 એટેચ ટોઈલેટ
- એક કોમન ટોઈલેટ
- મુલાકાતીઓ માટે વેઈટિંગ એરિયા
- ચર્ચા-બેઠક માટે મીટિંગ રૂમ
- લાઈબ્રેરી અથવા રીડિંગ રૂમ
- સ્ટોર રૂમ
- ડ્રેસિંગ રૂમ
- રસોડું
- રસોઈયા/ઘરઘાટી માટે અલગ રૂમ સાથેની એન્ટ્રી
- જિમ
- સ્વિમિંગ પૂલ
- ડાઈનિંગ હોલ
- કોમ્યુનિટી હોલ
- 43 ઈંચનું LED ટીવી
- એ.સી. (લિવિંગરૂમ, ઓફિસ, માસ્ટર બેડરૂમ)
- ફ્રિઝ અને R.O.



