ખેતરો બેટમાં ફેરવાયા, હાઈવે પાણીમાં ગરકાવ, અમરેલી-ગીર સોમનાથમાં જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે કહેર વર્તાવ્યો છે. અચાનક વરસેલા વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી પલળી ગઇ છે, જ્યારે ઘાસચારાનું પણ ભારે નુકસાન થતાં પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે.
કમોસમી વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો ‘કોળિયો’ છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ખેડૂતોના પાક કાપણીની તૈયારીમાં હતા, પરંતુ અચાનક પડેલા વરસાદે આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પરિણામે, અનેક ખેડૂત પરિવારો હવે આર્થિક પાયમાલીની કગાર પર આવી પહોંચ્યા છે.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પાસેના ખેતરોમાં પાણી ભરાઈ જતાં સર્વિસ રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોઠણ સુધી વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સર્વિસ રોડ પર ST બસો અને ટ્રેક્ટર ફસાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અવિરત વરસાદને કારણે હાઈવે પાસેના ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે, અને વાહન વ્યવહાર પર અસર પડી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે, વરસાદ થંભે અને ખેતરોમાંથી પાણી નીકળી જાય જેથી પાકને વધુ નુકસાન ન થાય.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોત્રા ગામમાં નદીમાં ઘોડાપૂર આવતાં પરિસ્થિતિ ગંભીર બની છે. બ્રિજ ઉપર પાણી આવી જતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને પરત ફરવી પડી હતી. ડિલિવરી માટે બોલાવવામાં આવેલી એમ્બ્યુલન્સ પણ પાણીના કારણે ગામ સુધી પહોંચી શકી નહોતી. હાલ ગામનો સંપર્ક માર્ગ બંધ છે.
જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજુલા સૌથી વધુ 9 ઈંચ વરસાદથી તરબતર થઈ ગયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ધાતરવડી ડેમ-2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે.



