રાજકોટમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટ લખી પોલીસ ક્વાર્ટરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના માઉન્ટેન પોલીસલાઇન ક્વાર્ટરમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ ઘટનામાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં પોતાને બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણનગરમાં અને માઉન્ટેન પોલીસલાઈનમાં રહેતી ભૂમિકાબા કનકસિંહ ચૌહાણ નામની 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે આજે પોતાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભૂમિકાબા એક ભાઈની એકની એક બહેન હતી અને તેમના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ભૂમિકાબા કોઇવાર કૃષ્ણનગરમાં પોતાના ઘરે અને કોઈવાર માઉન્ટેન પોલીસલાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરે રહેતાં હતાં. આજે સવારે તેમનાં માતા-પિતા ભૂમિકાબાને ફોન કરતાં હતાં, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો, જેથી તેઓ ક્વાર્ટરે પહોંચ્યાં હતાં. ત્યાં ભૂમિકાબા ઝેરી દવા પીધેલી હાલતમાં બેભાન મળ્યાં હતાં, જેથી તેમને તરત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે તપાસ કરતાં મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં તેમણે બીમારીનો ઉલ્લેખ કર્યો છે. ભૂમિકાબાને આંચકીની બીમારી હોઈ, જેથી તેઓ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ લેતાં હતાં. એનાથી કંટાળી પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે. ભૂમિકાબા સૌપ્રથમ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં અને હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં, જોકે આજે ભૂમિકાબાએ આ પગલું ભરી લેતાં પોલીસબેડામાં શોક છવાઈ જવા પામ્યો છે.
આ પણ વાંચો, વડોદરાથી મુંબઈ જતી માલગાડીને ઉથલાવવાનો પ્રયાસ, સુરતમાં અજાણ્યા શખસોએ ટ્રેકના પાટા પર લોખંડનો પટ્ટો મૂક્યો



