શિક્ષકો માટે ડિજિટલ અભ્યાસ વર્ગનો આજથી પ્રારંભ, રાજ્યમાં ગુજકોસ્ટની અનોખી પહેલ

▪રાજ્યના શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજી વિશે માહિતગાર કરી ઓનલાઈન શિક્ષણને વધુ અસરકારક બનાવવાના મુખ્ય ધ્યેય સાથે તાલીમ વર્ગ શરૂ કરાયા
ગુજકોસ્ટ દ્વારા ‘લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન’ સાથે જોડાણ કરી ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન
રાજ્યનાં ૩૩ જીલ્લાઓમાંથી ૨૫૦ શિક્ષકોને આ તાલીમ GSWANનાં Adobe Connect પ્લેટફોર્મ પર આપવામાં આવશે
ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા કચ્છ જિલ્લાઓમાંથી સરકારી/બિન સરકારી શાળાઓના ૭૦ જેટલાં શિક્ષકો આજના ડિજિટલ અભ્યાસ વર્ગ જોડાયા
રાજ્યના શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજી વિશે માહિતગાર કરી યોગ્ય સંકલન વડે શિક્ષણને વધુ અસરકારક બનાવવા તથા રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવાના મુખ્ય આશય સાથે આદર્શ શિક્ષકો તૈયાર કરવા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે.
કોરોના મહામારીને રોકવાના ભાગરૂપે લાગુ કરાયેલા લૉકડાઉનના કારણે બ્લેક બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા હવે ડિજિટલ માધ્યમ આધારિત થતી જોવા મળી રહી છે. શાળા-કોલેજ 3 મહીના સુધી બંધ હોવાથી ઓન લાઈન એજ્યુકેશન સીસ્ટમ વડે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધી શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. શિક્ષકો તથા વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનાં સમન્વયથી કેવી રીતે શિક્ષણ કાર્ય ચાલુ રાખવુ એ અંગે જાણકારી હોવી અત્યંત જરૂરી બની છે. આ પરિસ્થિતિમાં રાજ્યના શિક્ષકોને નવી ટેક્નૉલોજીથી અવગત કરવા પણ એટલા જરૂરી છે.
ગુજરાત સરકારનાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત વિજ્ઞાનનાં પ્રચાર અને પ્રસાર માટે કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા રાજ્યના શિક્ષકોને વિવિધ એપ્લિકેશન, ટેકનોલોજી પ્લેટફોર્મ, સાયબર સિક્યોરીટી તથા અન્ય દ્રશ્ય- શ્રાવ્ય ઉપકરણો અંગે તાલીમ મળી રહે તે હેતુસર ડિજિટલ એજ્યુકેશન ટેકનોલોજી અપનાવી શિક્ષક અને વિદ્યાર્થીઓને જોડી શકાય એ અંગે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજકોસ્ટ દ્વારા ‘લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન’ સાથે જોડાણ કરી ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાતનાં ૩૩ જીલ્લાઓમાંથી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૫૦ શિક્ષકોને આ તાલીમ GSWANનાં Adobe Connect પ્લેટફોર્મ પર આપવામાં આવશે. સાડા ત્રણ કલાકનાં તાલીમ કાર્યક્રમમાં ‘ઓન લાઈન શિક્ષણ માટે મહત્વપૂર્ણ એપ્લિકેશન અને તેનો ઉપયોગ’, ‘સ્માર્ટ ફોનનો સકારાત્મક ઉપયોગ’, ‘ટેકનોલોજીની બાળકો પર થતી અસરો તથા તેની દેખભાળ’ અને ‘સાયબર સિક્યુરિટી’ સહિતના વિવિધ રસપ્રદ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
આ તાલીમના પ્રથમ ભાગમાં ‘હાલના ડિજિટલ યુગમાં ઉપકરણો અને ટેક્નોલોજીના ઉપયોગની યોગ્ય રીત જાણીને ઓનલાઈન તથા ઑફલાઇન વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું’ એ અંગે માહિતી આપવામાં આવશે. તાલીમના દ્વિતીય ભાગમાં ‘કામકાજની જગ્યાએ તથા કુટુંબમાં ડિજિટલ સુખાકારી સ્થાપવા’ અંગે ચર્ચા કરવામાં આવશે. ફક્ત વ્યક્તિગત સ્તરે જ નહિ પરંતુ સામાજિક સ્તરે સૌને સાંકળીને કુટુંબ ભાવના સાથે ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ માટે શું કરી શકીએ એ સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રવૃતિઓ તથા ચર્ચા દ્વારા તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ડિજિટલ અભ્યાસ વર્ગ આજે તા.૧૦મી જૂનના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે શરુ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા કચ્છ જિલ્લાઓમાંથી સરકારી/બિન સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી પસંદ કરાયેલા ૭૦ જેટલાં શિક્ષકો જોડાયા હતા. આ શિક્ષકોમાં તાલીમ થકી નવી ટેકનોલોજી કૌશલ વિકસશે, જે આવનારા દિવસોમા ઓનલાઇન શિક્ષણ પદ્ધતિને એક નવી ઊંચાઇ પર લઇ જશે. જેના થકી વિદ્યાર્થીઓના નવી નવી વસ્તુઓ જાણવા, શીખવા તથા પ્રવૃત્તિઓ કરવાના સપના સાકાર થશે તેવો વિશ્વાસ ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોતમ શાહૂએ વ્યક્ત કર્યો છે.