મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે દિશાનિર્દેશો આપ્યા

રાજ્યમાં આ વર્ષે અસાધરણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાનહિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.
એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ શ્રી ટી.નટરાજન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.



