Chotila: કાબરણમાં મહિલાએ ધૂણીને નિર્દોષ પરિવાર પર આરોપ લગાવ્યા, વિજ્ઞાન જાથાએ ભાંડાફોડ કરતા મહિલા સહિત બેની અટકાયત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કાબરણ ગામમાં નિર્દોષ પરિવાર ઉપર ખોટો આરોપ મુકનારા સામત દેવશી પરમાર પરિવારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નાની મોલડી પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૭૫ મો સફળ પર્દાફાશ થયો હતો. પોલીસે મહિલા સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. હેમુબેને ધૂણીને ખોટા નામ જાહેર કરતા તેના પરિવારને નિચાજોણું થયું હતું. સામત પરમાર પરિવારે માફી માગી, ભુલ કબુલી કબુલાતનામું આપતા મામલો થાળે પડયો હતો.
બનાવની વિગત પ્રમાણે કાબરણના હમીર નાથાભાઈ ચાવડાએ પોતાની આપવિતીમાં જણાવ્યું કે અમારા ગામના સામત દેવશી પરમારે ષડયંત્ર કરી અમારા ઉપર સામાજિક બહિષ્કાર થાય તેવો ખોટો આરોપ મુકતા અમો હેરાન-પરેશાન, ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. મેલીવિદ્યા, ભારે નજર, કરી નાખ્યું આરોપ સદંતર ખોટા છે, અમો કંઈ જાણતા નથી. સમાજમાંથી ફેંકાઈ જઈએ તેમ ખોટો આરોપ મુકયો છે. અમારી જીંદગી જોખમમાં મુકાઈ ગઈ છે. લોકો અમોને તિરસ્કારથી જુએ છે તેમાં સામત પરિવારની ભૂમિકા છે. હેમુબેને ધૂણીને બિનપાયાદાર આક્ષેપ મુકી નામ જાહેર કરેલ છે તે સદંતર ખોટો છે. અમારા પરિવારમાં એક સદસ્યની જીંદગી જોખમમાં છે. નિર્દોષતાના પુરાવા રજૂ કર્યા હતા. ડાકણ કે ડાકણા જેવું જાણતા નથી. આપઘાત થાય તે પહેલા નિર્દોષતા સંબંધી જાથા સમક્ષ વાત મુકી હતી. જાથાના કાર્યાલયે ત્રણ-ચાર વ્યક્તિઓ બે વાર આવ્યા હતા.
જાથાના ચેરમેન જયંત પંડયાએ ખરાઈ કરવા ભાનુબેન ગોહિલ અને ગુલાબસિંહ ચૌહાણને રૂબરૂ મોકલતા અને ગામ લોકોની પૂછપરછ કરતાં હમીરભાઈ ચાવડા નિર્દોષ છે, કંઈપણ મેલીવિદ્યા જેવું જાણતા નથી અને ગામમાં સારી ઓળખાણ ધરાવે છે. આરોપો ખોટા છે તે સંબંધી પુરાવા મળી જતા જાથાએ પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું.
જાથાના ચેરમેન પંડયાએ રાજયના પોલીસ મહાનિર્દેશક, અધિક મુખ્ય સચિવ, રાજકોટ રેન્જના આઈ.જી.પી., સુરેન્દ્રનગરના એસ.પી. ને પત્ર મોકલી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી જેથી જિલ્લા પોલીસ વડાએ નાની મોલડી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલી હતી. પોલીસ ઈન્સપેકટર પરમારે જાથાના બંદોબસ્ત માટે હેડ કોન્સ્ટે. જયસુખભાઈ જાગાભાઈ જીડીયા, હેડ કોન્સ્ટે. રીંકુબેન શંકરભાઈ મીઠાપરા, હેડ કોન્સ્ટે. શિલ્પાબેન ટીડાભાઈ સરવૈયા, હેડ કોન્સ્ટે. વિઠ્ઠલભાઈ કડવાભાઈ કુકડીયાની ફાળવણી પોલીસ વાન સાથે કરી હતી.
રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, અજયભાઈ શાહ, ગુલાબસિંહ ચૌહાણ, ભાનુબેન ગોહિલ અને ચોટીલાના સ્થાનિક કાર્યકરો સાથે સંકલન કરી નાની મોલડી પોલીસ સ્ટેશને પહોંચી ગયા. જાથાની ટીમ અને પોલીસ સ્ટાફ કાબરણ ગામમાં સામત પરમારની વાડીએ પહોંચતા પરિવારના હોંશકોંશ ઉડી ગયા હતા. જાથાના જયંત પંડયાએ પરિચય આપી નિર્દોષ ઉપર ખોટ આરોપ મુકવો તે કાનુની અપરાધ છે. આરોપ સંબંધી પુરાવાની માગણી કરતા પરિવાર આપી શક્યો ન હતો. તુરંત ગામના રહીશો વાડીએ પહોંચી ગયા હતા. પરિવારે ભુલ કબુલી માફી માગતા અંગત વેરઝેરના કારણે હમીરભાઈ ચાવડાનું ખોટું નામ જાહેર કર્યું હતું તેવી બધાની હાજરીમાં કબુલાત આપી હતી. જેથી પોલીસ સાથે પરામર્શ કરી પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી કર્યું હતું.
પોલીસ ઈન્સપેકટર પરમારે સામત પરમાર, તેની પત્નિ હેમુબેન અને પુત્ર અરૂણને જરૂરી પુછપરછ કરી ત્યારે વારંવાર માફી માગી હતી અને બીજીવાર ભુલ થશે નહીં તેની ખાત્રી આપી હતી. કબુલાતનામામાં પરિવારના સામતભાઈ, હેમુબેન, પુત્ર અરૂણે ષડયંત્રના ભાગરૂપે ખોટો આરોપ મુકયો હતો તેવી કબુલાત આપી માફી માગી હતી. અંગત વેરઝેરના કારણે ગામમાં હાનિ પહોંચે તેથી તેનું નામ જાહેર કર્યું હતું જે અમારી ભૂલ છે અને માફી પત્રમાં ત્રણેય વ્યક્તિઓએ સહી કરી જાહેરમાં કબુલાત આપી હતી.
જાથાના જયંત પંડયાએ સામત પરમાર અને હમીરભાઈ ચાવડા બંને પરિવારોને ભવિષ્યમાં ઝઘડો ન કરવાની સમજ આપી હતી. સંવિધાન પ્રમાણે કોઈના પર ખોટો આરોપ મુકવો કાનુની અપરાધ સાથે ગુન્હો બને છે તે બાબતે છણાવટ કરી હતી. બંને પક્ષના પરિચિતો રૂબરૂ આવી ભવિષ્યમાં આ પ્રકારની ભુલ નહીં કરે તેની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. વિજ્ઞાન જાથાએ પોલીસ તંત્રને અટકાયતી પગલાં સંબંધી પત્ર પાઠવતા પોલીસે કાનુની કાર્યવાહી કરી, પુછપરછ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા.
નાની મોલડી પોલીસ સ્ટેશને ચોટીલા, રેશમીયા, સણોસરા અને કાબરણ ગામના જાગૃતો આવી પહોંચ્યા હતા અને સામત પરમારને ઠપકો આપી ખોટા નામ જાહેર કરી કોઈની જીંદગી સાથે ચેડાં ન કરવા વાત મુકી હતી. પરમાર પરિવારના ત્રણેય સદસ્યોનો જાથાએ ભાંડાફોડ કર્યો હતો.
વિજ્ઞાન જાથાના ૧૨૭૫ ના સફળ પર્દાફાશમાં કામગીરી કરનાર રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, અજયભાઈ શાહ, ભાનુબેન ગોહિલ અને સ્થાનિક કાર્યકરોએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. નાની મોલડી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર પરમાર, હેડ કોન્સ્ટે. જયસુખભાઈ જાગાભાઈ જીડીયા, હેડ કોન્સ્ટે. રીંકુબેન શંકરભાઈ મીઠાપરા, હેડ કોન્સ્ટે. શિલ્પાબેન ટીડાભાઈ સરવૈયા, હેડ કોન્સ્ટે. વિઠ્ઠલભાઈ કડવાભાઈ કુકડીયાએ શ્રેષ્ઠ કામગીરી કરી પર્દાફાશમાં જાથાને મદદ કરી હતી.
આ પણ વાંચો, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો, ટપોટપ મોત વચ્ચે સરકારે જાહેર કરી એડવાઈઝરી



