ટ્રમ્પની ધમકી વચ્ચે ભારત અને રશિયા વચ્ચે મોટી ડીલ, HAL સાથે મળીને બનાવશે સુખોઈ સુપરજેટ

ભારતે રશિયા સાથે એક મોટો કરાર કરીને ઉડ્ડયન ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ સોમવારે રશિયાના યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, રશિયન ડિઝાઇન વાળા પેસેન્જર જેટ સુખોઈ સુપરજેટ 100 (SJ-100) નું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે.
આ ટ્વીન-એન્જિન, નેરો-બોડી એરક્રાફ્ટમાં આશરે 100 મુસાફરોની ક્ષમતા છે અને તે લગભગ સતત 3,000 કિલોમીટર સુધી ચાલી શકે છે. તે ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે બનાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આજ સુધી વિશ્વભરમાં આવા 200 થી વધુ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, અને 16 થી વધુ એરલાઇન ઓપરેટરો તેનો ઉપયોગ કરી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, ભારતમાં SJ-100 નું ઉત્પાદન દેશની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના, UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ દેશના નાના શહેરો અને નગરોને હવાઈ નેટવર્ક સાથે જોડવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે. આ કરાર બાદ, HAL ને ભારતમાં SJ-100 એરક્રાફ્ટના ઉત્પાદન માટે વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થયા છે. આ પ્રોજેક્ટ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જશે, એટલું જ નહીં પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ મજબૂત બનાવશે.
વધુમાં, આ પ્રોજેક્ટ ભારતના ઉડ્ડયન ઉત્પાદન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવશે તેવી અપેક્ષા છે. આ ફક્ત HAL માટે એક ટેકનોલોજીકલ સીમાચિહ્નરૂપ નહીં, હોય પરંતુ ભારતના આત્મનિર્ભરતા (આત્મનિર્ભર ભારત) ને પણ એક નવી ગતિ આપશે. સ્પેરપાર્ટ્સ, જાળવણી અને વિમાન ઉત્પાદન સંબંધિત સપ્લાય ચેઇનમાં પણ હજારો રોજગારીની તકો ઉભી થશે.



