
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 10 લોકોને અંગદાનથી નવજીવન આપવામાં સફળતા મળી છે. ઝારખંડ રાજ્યના ૩૦ વર્ષીય અનિલભાઇ મારંડી હાલમાં કડીના છત્રાલ ખાતે ફેક્ટરીમાં હેલ્પર તરીકે કામ છે.ત્યારે ગત 22-04-2025 ના રોજ રાત્રે કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા. તે સમયે કડી નજીક પાસે રોડ અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે કડી ખાતે આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગમાં ગંભીર ઇજાઓના કારણે તા. 23-04-2025ના રોજ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
તા. 25-04-2025ના રોજ ડૉક્ટરોએ અનિલભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે વિગતવાર સમજાવતા તેમના પરીવારજનો અંગદાન કરવા પ્રેરીત થયા હતા.અમદાવાદ સિવિલમાં 30 વર્ષીય અનિલભાઇ મરાંડીના અંગદાનથી એક લીવર, બે કીડની અને બે ફેફસા તેમજ એક સ્વાદુપિંડ એમ કુલ છ અંગોનુ દાન મળ્યું હતું. આ અંગદાનથી આજે દેશના લોકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરીને આપણા માટે જાતિ, ધર્મ કે રાજ્ય ની સરહદો કરતા માનવધર્મ સૌથી આગળ છે એ સ્વજનો એ પુરાવાર કરીને બતાવ્યું છે.

અન્ય અંગદાનની વિગતો જોઈએ તો, બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામના વતની ભરમાભાઇ ડીગુંઇચાને તા. 23-04-2025ના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ભરમાભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શરીરમાં વધુ ઇજાઓ પહોંચાવાના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. 27-04-2025ના રોજ ડૉક્ટરોએ ભરમાભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરીવારજનોને સમજાવતા તેઓએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનનો આ સેવાયજ્ઞ છેલ્લા ચાર વર્ષ કરતા પણ વધારે સમયથી અવિરત ચાલી રહ્યો છે અને જેના કારણે અત્યાર સુધીમાં 190 અંગદાતાઓથી મળેલા 626 અંગોના માધ્યમથી 607 જેટલા નવા લોકોના જીવનમાં આશાનુ કિરણ આપણે લાવી શક્યા છીએ.
આ બંને અંગદાનથી મળેલ ચાર કીડની, બે લીવર અને બે સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ભરમાભાઇના અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ .એન.મહેતા હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે અને અનિલભાઇના અંગદાનથી મળેલ બે ફેફસાને હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
આમ આ અંગદાનથી કુલ 10 લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ .
સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જોષીએ વધુમાં જણાવ્યુ હતુ કે,સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 190 અંગદાતાઓ થકી કુલ 626 અંગોનું દાન મળેલ છે. જેમાં 166 લીવર, 346 કીડની, 13 સ્વાદુપિંડ, 61 હ્રદય, 32 ફેફસા, 6 હાથ, 2 નાના આંતરડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંકને પણ અત્યાર સુધીમાં 12 જેટલી ચામડીનુ દાન મળ્યુ છે. આ 190 અંગદાતાઓ થકી 607 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
આ પણ વાંચો. Ahmedabad: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આઈડિયાથોન 2025 – અવધારણા નું આયોજન