સરકારી નોકરીના નામે નકલી ઓફર લેટર આપી યુવાનોને ઠગતો ભેજાબાજ પકડાયો, દેશભરમાં નોંધાઇ હતી 100 ફરિયાદ

અમદાવાદની યુવતીને સરકારી નોકરી અપાવવાના બહાને નામે છેતરપિંડી કરતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સરકારી બોગસ આઇડી કાર્ડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી નોકરી અપાવવાના બહાને નામે છેતરપિંડી કરતા રેકેટનો પર્દાફાશ સાયબર ક્રાઈમે કર્યો છે. આરોપી અમન વર્માની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે. ધોરણ 12 પાસ આરોપી ઇન્કમટેક્સ ઓફિસર બની ઠગાઈ કરતો હતો. આરોપીએ અમદાવાદની યુવતીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાના બહાને 9.20 લાખની છેતરપિંડી કરી હતી. યુવતીને બેંગલોર અને કોલકાતા ટ્રેનિંગ આપીને આરોપીએ બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા.
આરોપીની વર્ષ 2023 ના ઠગાઈ કેસમાં CBI એ ધરપકડ કરી હતી, જે બાદ તે જામીન પર છૂટ્યો હતો અને ફરી સરકારી નોકરી ઇચ્છુક યુવાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ 30 થી વધુ લોકો સાથે સરકારી નોકરીના બહાને ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી સરકારી બોગસ આઇડી કાર્ડ કબ્જે અને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અમનની અગાઉ 2023માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), મુંબઈ દ્વારા નોકરી કૌભાંડ માટે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણે “રૂપેશ” તરીકે ઓળખ આપી હતી અને કેન્દ્ર સરકારના વિભાગોમાં નોકરી આપવાનું વચન આપીને ઓછામાં ઓછા 14 યુવાનો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ CBIએ ધનબાદ અને પટનામાં દરોડા દરમિયાન નકલી સરકારી સીલ, નિમણૂક પત્રો અને રૂ.14 લાખથી વધુ રોકડ જપ્ત કરી હતી.
આરોપીના નામે 100થી વધુ ફરિયાદ
CBI કેસમાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ ફરીથી છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તેના બેંક ખાતાઓ સાથે જોડાયેલી 100 થી વધુ ઓનલાઈન ફરિયાદો મળી આવી છે. આરોપીઓએ આર્થિક રીતે નબળા વ્યક્તિઓના બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં ખાતેદારને છેતરપિંડી કરાયેલા ફંડમાંથી અમુક રકમ કમિશન ચૂકવવામાં આવતી હતી.
સાયબર ક્રાઇમ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપી સરકારની સત્તાવાર વેબસાઈટ જેવી જ વેબસાઈટ માટે નકલી ડોમેન અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો. અમારી ટીમો તેના નાણાકીય ટ્રેલ્સ શોધી રહી છે અને રેકેટમાં સામેલ અન્ય સાથીદારોને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.



