Ahmedabad: ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન આવતા મહિને લોન્ચ થશે, રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડી એપ પર મૂકો અને ગિફ્ટ વાઉચર મેળવો

રસ્તામાં કચરો ફેંકનારા કે કારમાંથી થૂંકનારા લોકોનો ફોટો કોઈપણ નાગરિક ખેંચી લઈ કોર્પોરેશનની ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશનમાં અપલોડ કરી શકશે. શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે, ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર અપાશે. આ ગિફ્ટ વાઉચરના ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકશે. આ એપ્લિકેશન અંતિમ તબક્કમાં છે. એપ્રિલ મહિનામાં લોંચ કરાશે. રસપ્રદ વાત એ હશે કે, ચાલુ કારમાં પણ કોઇ થૂંકશે તો નંબર પ્લેટના આધારે તેઓના ઘરે કોર્પોરેશન નોટિસ મોકલશે અને દંડ વસૂલશે.
કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી કરનારા લોકો સામે ખાસ અભિયાન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં ગંદકી કરતી દુકાનો, રેસ્ટોરંટ કે હોટેલોને દંડ કરાય છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરતા લોકો પાસેથી પણ સ્થળ પર જ દંડ વસૂલાય છે. પરંતુ આ અભિયાનમાં જનભાગીદારી વધે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાથે જ લોકોને પણ આ પ્રવૃત્તિથી ફાયદો થાય તેવી વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે. લોંચ થનારી એપ્લિકેશનથી ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઇડમાં આવતા વાહનો, ગંદકી, કચરો સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે. લોકો જ્યાંથી પણ ફોટો લેશે તેમાં જીઓ ટેગિંગથી ઓટોમેટિક જ લોકેશન આવશે. જેથી લોકોએ અલગથી એડ્રેસ આપવાની જરૂર રહેશે નહીં. દંડની રકમ માટે આરટીઓને પણ આ અભિયાનમાં જોડાશે. જેથી નિયમોનો ભંગ કરનારા વાહન માલિકોના ઘરે નોટિસ મોકલી શકાશે.
આ પણ વાંચો, Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 180મું અંગદાન, મહિલાએ બ્રેઈન ડેડ પતિના અંગોનું દાન કર્યું