ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો દીકરો હરિકેશ પટેલ નકલી પાસપોર્ટના કેસમાં ઝડપાયો છે. આરોપીનો પાસપોર્ટ EDના કેસમાં જમા હોવા છતાં આરોપીએ અન્ય રાજ્યમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટના આધારે આરોપી અલગ-અલગ દેશભરમાં ફરવા પણ ગયો હતો. ગુજરાત ATSએ આરોપી હરિકેશ પટેલની ધરપકડ કરી છે. આરોપી 2022ના EDના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા. આ દરમિયાન આરોપીએ ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.
આ અંગે વિગતે વાત કરીએ તો, ગુજરાત ATSની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં નકલી દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર શખ્સ ઝડપાયો છે. ગુજરાત ATS દ્વારા શાહીબાગના હરીકેશ પટેલ નામના શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDના પાવર બેંક એપ મની લોન્ડરિંગ કેસમાં અગાઉ પાસપોર્ટ કોર્ટમાં જમા થયો હતો. ધરપકડ અને કાયદાથી બચવા બનાવટી દસ્તાવેજોના આધારે બીજો ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. નેપાળ અને ભૂટાન મારફતે બેંગકોક, સિંગાપોર તેમજ દુબઈની મુસાફરી કરી હતી.ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે ચાલી રહેલી તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા હરીકેશ પ્રણવકુમાર પટેલે અગાઉનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. આ વિગત છુપાવી ઉત્તર પ્રદેશના આગ્રાના ખોટા સરનામા તથા બનાવટી ભાડા કરારના આધારે ગાઝિયાબાદ RPOમાંથી બીજો ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો મૂળ પાસપોર્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ચર્ચિત પાવરબેંક એપ મની લોન્ડરિંગ કેસ સંબંધિત કાર્યવાહી હેઠળ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. એન્ટીસિપેટરી બેલ રદ થતાં ધરપકડથી બચવા આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાં પાસપોર્ટ ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. ખોટા દસ્તાવેજોના આધારે મેળવેલા બીજા પાસપોર્ટ મારફતે આરોપીએ ભૂટાન થઈને બેંગકોક, સિંગાપોર અને દુબઈ તેમજ નેપાળ થઈને ભારત આવવા-જવા માટે મુસાફરી કરી હતી.
આરોપી હરીકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશન તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા છે. ગુજરાત ATS દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પાસપોર્ટ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.