રાજકોટમાં બહેનની છેડતી કરનાર યુવકની ત્રણ ભાઈઓએ કરી હત્યા,પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાંથી ગઈકાલે દુખીશ્યામ મીનીકર નામના યુવકનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગઈરાત્રે વધુ એક હત્યાની આ ઘટના સામે આવતાં પ્રદ્યુમન નગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત તપાસ શરૂ કરી હતી. પોલીસની આકરી પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સાઇટ ઉપર કામ કરતા શખ્સોએ જ દુખીશ્યામની ગળું દબાવીને હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક દુખીશ્યામે સાઇટ ઉપર કામ કરતી યુવતીની છેડતી કરી હતી અને તેનો હાથ પકડ્યો હતો. આ છેડતી કરતા યુવતીનો ભાઈ પીંજુ કેવન ભુરીયા જોઈ ગયો હતો. પીંજુએ આ અંગેની વાત પોતાના સગા ભાઈ અજિત કેવન ભુરીયા અને કાકાના દિકરા રાજેશ કૈલાસ ભુરીયાને કરી હતી. ત્યાર બાદ ત્રણેયને સાથે મળીને દુખીશ્યામનો પીછો કરી તેને દોડાવ્યો હતો અને બાદમાં હત્યા કરી હતી.આ અંગે સામે આવેલી વિગતો અનુસાર છેડતીની શંકાએ ત્રણેય ભાઈઓએ આજે સવારના સમયે મૃતક યુવાન દુખીશ્યામને બાંધકામ સાઇટ પર ઉપરના માળે લઈ જઈ માર મારી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ યુવકની લાશને ફેંકી દઈ સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ બનાવ અંગે જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. ગુનાનો ભેદ ઉકેલવા માટે 3 જેટલા શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસની આકરી પૂછપરછના અંતે આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત આપતાં પોલીસે તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.