Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઇ? 3 મહિનામાં તપાસ ટીમ પોતાનો રિપોર્ટ સોપશે

શનિવારે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના અંગે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી માત્ર 650 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકી હતી, ત્યારબાદ વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું અને ક્રેશ થઇ ગયું.
નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ જણાવ્યું હતું કે ઉડાન ભર્યા પછી વિમાન માત્ર 650 ફૂટની ઊંચાઈ મેળવી શક્યું હતું. આ પછી તરત જ, વિમાન ઊંચાઈ ગુમાવવાનું શરૂ કર્યું અને પાયલોટે બપોરે 1:39 વાગ્યે ATC ને ‘મે ડે’ કોલ મોકલ્યો. એક મિનિટમાં જ, વિમાન મેઘાણીનગરમાં મેડિકલ હોસ્ટેલ પરિસરમાં ક્રેશ થયું.
સમીર સિંહાએ એમ પણ કહ્યું હતું કે અકસ્માત પહેલા વિમાને પેરિસ-દિલ્હી-અમદાવાદની યાત્રા કોઈપણ ટેકનિકલ સમસ્યા વિના પૂર્ણ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે પણ માર્ગ અકસ્માતમાં પોતાના પિતા ગુમાવ્યા છે, તેથી તેઓ પીડિત પરિવારોનું દુઃખ સમજી શકે છે.
કેન્દ્ર સરકારે એર ઇન્ડિયા અકસ્માતની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. ગૃહ સચિવની આગેવાની હેઠળની આ સમિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત સચિવ સ્તરથી ઉપરના અધિકારીઓનો સમાવેશ થશે. આ સમિતિ અકસ્માતના કારણોની તપાસ કરશે, હાલના SOP અને માર્ગદર્શિકાની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કરવા માટે વ્યાપક સૂચનો આપશે.DGCA ના નિર્દેશ પર, એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનોની તપાસ કરવામાં આવી રહી છે. ભારતમાં કુલ 34 ડ્રીમલાઇનર છે, જેમાંથી 8 ની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. ક્રેશ થયેલા વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા અને ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. મેડિકલ હોસ્ટેલ સંકુલમાં, જ્યાં વિમાન ક્રેશ થયું હતું, ત્યાં 20 થી વધુ લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો, World Test Championship: દક્ષિણ આફ્રિકા WTCનો નવું ચેમ્પિયન બન્યું, ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું