ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે દારૂનું સેવન કર્યા બાદ સાતેક યુવકની તબિયત લથડી હતી. જે પૈકી 3 યુવકોના મોત થયા છે. ભાવનગર નકલી દારુકાંડમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભાવનગરમાં સર્જાયેલી નકલી દારુની ગંભીર ઘટના બાદ રાજ્ય પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ નકલી દારુકાંડને લઈ પોલીસ ભવન ખાતે રાજ્ય પોલીસવડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં દારુબંધીના કડક અમલીકરણ માટે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ અને આકરા નિર્દેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ભાવનગરમાં દારૂકાંડમાં 3 લોકોના મોત બાદ દારૂને લઇ રાજ્ય વ્યાપી દરોડોના આદેશ ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે. કુંભકર્ણની ઊંઘમાંથી જાગેલી પોલીસ હવે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડશે. દૈનિક રિપોર્ટ હેડક્વાર્ટર મોકલવા પણ સૂચના આપવામાં આવી છે. હવે સવાલ એ છે કે અત્યાર સુધી આવી કાર્યવાહી કેમ ન થઈ?
નકલી દારુકાંડના કારણે સરકાર એક્શનમાં
ભાવનગરમાં નકલી દારુકાંડના કારણે મોતના કેસમાં સરકાર એક્શનમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત આવતાની સાથે જ બેઠક કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ગૃહ અને પોલીસ વિભાગના અદિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
ભાવનગરના ખરકડીમાં ડુપ્લીકેટ દારૂના કેસમાં લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. 2 થી 3 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. જ્યારે ઉજ્જૈનથી દારૂ આવી રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. ભાવનગર SP સહિતના અધિકારીઓ સતત તપાસ કરી રહ્યા છે.
ભાવનગરના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયએ સ્પષ્ટ કર્યું કે નકલી રોયલ સ્ટેગ નામના દારૂનું સેવન કરતા એકનું મોત થયું છે જ્યારે અન્યોની તબિયત લથડી છે. ઘોઘાના ખરકડી ગામની વાડીમાં બે દિવસ પૂર્વે આ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજાએ દારૂની પાર્ટીની મોજ માણી હતી. પાર્ટી બાદ 35 વર્ષીય ઉપેન્દ્રસિંહને ઓચિંતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બાદમાં ઉલ્ટી- ઉબકા શરૂ થયા હતા. સ્થિતિ વણસતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.