આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત:31 માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર

સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે, જેઓ તેમના પોતાના ગુરુકુળની વિદ્યાર્થિની સાથે જાતીય દુર્વ્યવહારના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદ ભોગવી રહ્યા છે.
બળાત્કારના દોષિત આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીમાં બનેલા હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આસારામ હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ-એટેક પણ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી છે. આમાં એક શરત એવી પણ છે કે તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. આસારામ 2013ના રેપ કેસમાં ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
નોંધનીય છે કે, પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામને જે કેસમાં સજા ફટકારવામાં આવી હતી તેની FIR વર્ષ 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.