રક્ષાબંધન નિમિત્તે માતા-બહેનોને સરકારની ભેટ, 101 નવી ST બસનું લોકાર્પણ; મહિલા કંડક્ટરોએ ગૃહમંત્રીને રાખડી બાંધી

રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને વધુ સુવિધાજનક અને આરામદાયક જાહેર પરિવહનની ભેટ આપતા ગાંધીનગર ખાતેથી 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકાર્પિત 101 બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિડી અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે. આ તમામ બસોને રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં પણ સામેલ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ST નિગમની મહિલા કંડક્ટરોએ હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. રાજ્યની માતા-બહેનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકે તે માટે એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ 24 કલાક પોતાની ફરજ બજાવે છે. હર્ષ સંઘવીએ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

રક્ષાબંધન માટે STનું વિશેષ આયોજન

  • 26થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 એક્સ્ટ્રા ટ્રીપ
  • 101 નવી બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિડી અને 10 સ્લીપર કોચ
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ માટે વિશેષ બસો
  • અંબાજી, પાવાગઢ અને સોમનાથ માટે વિશેષ સંચાલન
  • ઓનલાઈન અને ડેપો પર એડવાન્સ બુકિંગની સુવિધા

રક્ષાબંધન દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ST નિગમ દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મુખ્ય શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા તીર્થધામોના રૂટ પર વિશેષ બસો દોડાવવામાં આવશે.

મુસાફરોની સુવિધા માટે ઓનલાઈન તેમજ ડેપો પર એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન 6,402 વધારાની ટ્રીપ મારફતે 3.33 લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરાયું છે.મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પહેલ હેઠળ નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓને સલામત, સુવિધાજનક અને આરામદાયક જાહેર પરિવહન સેવા આપવા માટે નવી બસો જનસેવામાં મૂકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *