Ahmedabad: CMના હસ્તે ચાંગોદર ખાતે દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંગોદર ખાતે મેટર કંપની દ્વારા નિર્મિત દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈક પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. CMએ કહ્યું કે ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ પ્રસંગે CMએ ચૈત્રી નવરાત્રી-દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની છે અને ઓટોમોબાઇલ ક્ષેત્રે ૧૨ ટકાના ગ્રોથ સાથે વિકાસ કર્યો છે. આજે દેશની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વ સાથે હરીફાઈ કરવા સજ્જ બની છે. ગ્રીન ગ્રોથ એનર્જીને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ઇનોવેટ ઇન ઇન્ડિયા’ મંત્ર આપ્યો છે. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે મેટર કંપની દ્વારા આજથી દેશના સૌ પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટર બાઈકના પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સૌર ઊર્જા આધારિત ઘરેલુ વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી દેશનાં ૧૧ લાખથી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે. પરિણામે, આજે દેશની સૂર્ય આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા ૯ ગીગાવોટથી વધીને ૯૮ ગીગા વોટ સુધી પહોંચી છે. આ જ પ્રકારે, ૪.૫ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં રૂ. ૨૨૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વના ત્રીજા સૌથી મોટા રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદક દેશ બનવા તરફ અગ્રેસર છે.

છેલ્લાં ૧૦ વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૬૪૦ ગણી વૃદ્ધિ સાથે ગયા વર્ષે ૧૭ લાખ જેટલા ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને દેશનું હબ બનાવવા માટે રાજ્ય સરકારે ઈવી પોલિસી-૨૦૨૧ બનાવી છે અને આ દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પણ કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત, ઈલેક્ટ્રિકલ વ્હીકલ માટે જરૂરી લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકાર ગ્રીન એનર્જીના ઉપયોગની દિશામાં કટિબદ્ધ છે અને આ માટે રાજ્યના જાહેર પરિવહનમાં ૮૦૦ જેટલી ઈવી બસો ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં ગત વર્ષે ૨.૬૪ લાખ ઈલેક્ટ્રિક વાહનો રજિસ્ટર્ડ થયાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ઝીરો કાર્બન ઉત્સર્જન પર ભાર મૂકતાં વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગ્રીન એનર્જી, ક્લિન એનર્જી આધારિત પર્યાવરણમાં સહયોગ આપવા માટે સૌને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે CMએ આ તકે બાઇક વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. મેટર કંપની દ્વારા CMના હસ્તે રાજ્યના પોલીસ વિભાગ તેમજ ગીર રેન્જર્સ માટે એક-એક ઈલેક્ટ્રિક બાઇક પણ અર્પણ કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેટિવ ઇન્ડિયા આધારિત નેક્સ્ટ જનરેશન પ્લાન્ટ થકી વાર્ષિક ૧.૨૦ લાખ જેટલાં યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ પટેલ, કંપનીના સ્થાપક અને ગ્રૂપના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરુણપ્રતાપ સિંઘ, પ્રોફેસર અરવિંદ સહાય સહિત મહાનુભાવો, ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ અને મેટર કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Gandhinagar: ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે: પ્રફુલ પાનશેરીયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *