સલમાન પછી આમિર ખાન બિશ્નોઈ ગેંગના નિશાન પર ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ધમકી ભરી પોસ્ટ

બિશ્નોઈ ગેંગ તરફથી અત્યાર સુધીમાં સલમાન ખાનને અનેક વખત ધમકી મળી ચૂકી છે પરંતુ હવે આ ગેંગના નિશાના પર આમિર ખાન પણ આવી ગયો છે. આમિર ખાનના ત્રીજા લગ્ન પછી સતત તેનું નામ ચર્ચામાં રહે છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી પણ આમિર ખાનને ધમકી મળી હોવાની ચર્ચાઓ તેજ થઈ છે. આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે સોશિયલ મીડિયા પર બિશ્નોઇ ગેંગ ના નામથી એક પોસ્ટ વાઇરલ થઈ છે, જેમાં આમિર ખાનને લવ જેહાદ મામલે ધમકી આપવામાં આવી છે. જોકે આ પોસ્ટની પુષ્ટિ હજી સુધી થઈ નથી.
સોશિયલ મીડિયા પર બિશ્નોઈ ગેંગના નામથી એક પોસ્ટ વાઇરલ થઈ છે જેમાં લખવામાં આવ્યું છે કે આમિર ખાન દેશની સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિરુદ્ધ કામ કરે છે અને લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. આ પોસ્ટમાં ધમકી ભર્યા અંદાજમાં લખવામાં આવ્યું છે કે આ પ્રકારની ગતિવિધિને જે પણ વ્યક્તિ પ્રોત્સાહન આપશે તેને જવાબ આપવામાં આવશે. સાથે જ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે સ્ટારડમ ના નામે ખોટી વસ્તુઓને પ્રોત્સાહન આપનાર વ્યક્તિને છોડવામાં નહીં આવે.
સોશિયલ મીડિયા પર જે પોસ્ટ વાઇરલ થઈ છે તેમાં પરવેશ અને હિમાંશુ નામનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપતા એવું લખવામાં આવ્યું છે કે તેમના બલિદાનને વ્યર્થ જવા દેવામાં નહીં આવે તેના દુશ્મનોને જવાબ આપવામાં આવશે. સાથે જ વાયરલ પોસ્ટમાં તાજેતરમાં જ રાજસ્થાનના શ્રીગંગાધર નગરમાં સગીરા સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરતા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.
વાયરલ પોસ્ટની પુષ્ટિ નથી થઈ
સોશિયલ મીડિયા પર આમિર ખાનના ત્રીજા લગ્નની વાતને લઈને ધમકી ભરી પોસ્ટ વાઇરલ થતા ખડભડાટ મચ્યો છે પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે વાયરલ થયેલી પોસ્ટ બિશ્નોઈ ગેંગ તરફથી જ શેર કરવામાં આવી છે કે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પ્રકારની પોસ્ટની પુષ્ટિ ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. આવા મામલામાં જ્યારે તપાસ એજન્સી કોઈ સત્તાવાર જાણકારી શેર કરે ત્યારે જ તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.