સુરતમાં ખાખી શર્મસાર; મફતમાં ચા-નાસ્તો ન આપતા પોલીસે વેપારીને ‘થર્ડ ડિગ્રી’ ટોર્ચર કર્યાનો ગંભીર આક્ષેપ

સુરતના લીંબાયત વિસ્તારમાં પોલીસની દાદાગીરી અને સત્તાના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હોટલ વેપારીએ પોલીસ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. વેપારીનો આરોપ છે કે મફતમાં ચા-નાસ્તો ન આપવા બદલ પીએસઆઈ (PSI) અને ડી-સ્ટાફના માણસોએ તેમને ટાર્ગેટ કર્યા હતા. રાત્રે દુકાનેથી બળજબરીપૂર્વક ઉઠાવી જઈને તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને થર્ડ ડિગ્રી ટોર્ચર કરીને ૨૫૦થી વધુ ડંડાના ફટકા માર્યા હતા.
આટલું જ નહીં, પોલીસે હોટલના ગલ્લામાંથી ₹૧૦,૦૦૦ રોકડા કાઢી લીધા, કેસ ન કરવા બદલ ₹૫૦,૦૦૦ની લાંચ માંગી અને ગુનાના પુરાવા નષ્ટ કરવા માટે દુકાનનું DVR પણ સાથે લઈ ગયા હતા. આ ક્રૂર મારના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વેપારીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં MLC (મેડિકલ લીગલ કેસ) નોંધાતા આખી ઘટનાના તબીબી પુરાવા સામે આવ્યા છે. હાલમાં પોલીસ ગલીઓમાં ડંડા સાથે દોડતી હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને પગલે ભોગ બનનાર વેપારીએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત અરજી કરી છે.ભોગ બનનાર હોટલ વેપારીના જણાવ્યા અનુસાર, લીંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) અને ડી-સ્ટાફના માણસો અવારનવાર તેમની હોટલ પર આવીને મફતમાં ચા-નાસ્તો માંગતા હતા. વેપારીએ મફતની સુવિધા આપવાની ના પાડતા પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને વેપારીને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, પોલીસે રાત્રિના સમયે વેપારીને તેમની દુકાનેથી જબરદસ્તી ઉઠાવી લીધા હતા અને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
વેપારીએ સુરત પોલીસ કમિશનરને કરેલી લેખિત અરજીમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વેપારીનો દાવો છે કે અટકાયત દરમિયાન તેમને 250થી વધુ ડંડાના ફટકા મારીને નિર્દયતાથી થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું. માર મારતી વખતે પોલીસ અધિકારીઓ દ્વારા જાતિસૂચક અપશબ્દો બોલીને વેપારીનું અપમાન કરવામાં આવ્યું હતું. હોટલના ગલ્લામાંથી પોલીસ કર્મચારીઓ 10,000 રોકડા લઈ ગયા હોવાનો અને સમગ્ર મામલે કેસ ન કરવા બદલ 50,000ની લાંચ માંગી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોતાની આ બર્બરતા સીસીટીવી કેમેરામાં કેદ ન થઈ જાય તે માટે પોલીસે હોટલનું DVR (Digital Video Recorder) પણ જપ્ત કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસના અમાનુષી મારને કારણે વેપારીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા MLC (Medico-Legal Case) નોંધવામાં આવતા જ પોલીસની બર્બરતાના પાકા મેડિકલ પુરાવા સામે આવ્યા છે.આ ઘટના દરમિયાન પોલીસ ગલીઓમાં હાથમાં ડંડા લઈને દોડતી હોય તેવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વીડિયો વાયરલ થતાં જ સુરત પોલીસની છબી ખરડાઈ છે અને ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવ્યા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા ડીસીપી (DCP) ડૉ. કાનન દેસાઈએ તાત્કાલિક અસરથી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસના આદેશ આપ્યા છે.