ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો. ખાસ કરીને જુલાઇના અંતિમ દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં બારેમેઘખાંગા જેવી સ્થિતિ થતાં સુરત, નવસારીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. 2 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટછવાયા ઝાપટા સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. જો કે હજુ પણ કેટલાક જિલ્લા એવા છે. જ્યા વરસાદની ઘટ છે. આ સ્થિતિમાં અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં છેલ્લા 2 દિવસોથી વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ હવે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને 3થી 4 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક વધવાની સંભાવના છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સતત વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તેથી નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની જરૂર હોવાનું પણ તેમણે સૂચવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર હવે થોડું ઘટશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ જોર પકડશે અને આગામી 5 દિવસમાં અહીં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વીય હિમાલયની તળેટી વાળા વિસ્તારોમાં પણ આગામી 4-5 દિવસમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે.