ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી: અમદાવાદના ઘાટલોડિયામાં બળાત્કારનો ગુનો

સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને સગીરાઓ કે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સા અવારનવાર સામે આવે છે. અમદાવાદના ઘાટલોડિયાની ૨૬ વર્ષીય યુવતી સાથે પણ કંઈક આવો જ ખેલ થયો છે. ચેન્નઈના એક વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટરવાળા ફોટો વીડિયો મૂકી હિન્દુ યુવતીને ફસાવી છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા શખ્સો સાથે મિત્રતા કરવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદમાંથી સામે આવ્યું છે.
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીને ચેન્નઈના કાસમ સમસુદ હસન અંસારી નામના શખ્સે પોતાના પ્રેમજાળમાં ફસાવી. આરોપીએ પોતે દેખાવડો દેખાવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્ટરવાળા વીડિયોઝ મૂક્યા હતા અને ભાવાત્મક વાતો કરીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં હોટલમાં લઈ જઈને તેનું શારીરિક શોષણ કર્યું. પોલીસે વિધર્મીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
યુવતી ગુમ થવાની ફરિયાદ બાદ પરત ફરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
અમદાવાદના ઘાટલોડિયા પોલીસની ગિરફ્તમાં આવેલા આ શખ્સનું નામ છે કાસમ સમસુદ હસન અંસારી. હવે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ફરિયાદ વિગતો મુજબ જો વાત કરી એ તો કાસમ સમસુદ હસન અંસારી મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજનો વતની અને હાલ ચેન્નઈ રેલવે સ્ટેશન પાસે રહે છે અને કાચ પર ડિઝાઇન કરવાનું કામ કરે છે. કાસમ હસન અંસારીએ સોશિયલ મીડિયા પર ઘાટલોડિયાની 26 વર્ષીય યુવતીના ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક વીડિયો જોઈને એપ્રિલ ૨૦૨૬માં તેને ફોલો કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પોતાનું બ્રેકઅપ થઈ ગયું હોવાનું ખોટું બહાનું ધરીને યુવતી સાથે ભાવાત્મક વાતો કરી હતી અને ફ્રેન્ડશિપ કરી હતી. આરોપીની આ જાળમાં હિન્દુ યુવતી ફસાઈ ગઈ અને પછી શરૂ થઈ અસલી કહાની.આરોપી હિન્દુ યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ગત જૂન ૨૦૨૬માં કાસમ અંસારી ચેન્નઈથી અમદાવાદ આવ્યો હતો અને ભૂયંગદેવ ચાર રસ્તા પાસે આવેલી ભાગ્યોદય હોટલ ખાતે યુવતીને મળવા બોલાવી હતી. હોટલમાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યાં હતાં. ત્યાર બાદ 3 ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાત્રે ફરી મળવાના બહાને બોલાવીને આરોપી તેને રિક્ષામાં બેસાડીને ઓઢવ સોનીની ચાલી નજીક આવેલી આગમન હોટલમાં લઈ ગયો હતો.
૩ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર સુધી તેને હોટલના રૂમમાં રાખી હતી અને આરોપીએ હું તારી સાથે લગ્ન કરીશ અને પત્ની તરીકે રાખીશ તેવી લાલચ આપીને યુવતીની મરજી વિરુદ્ધ ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ યુવતીનો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો જેથી તે પરિવારનો સંપર્ક ન કરી શકે… ત્યારે હિન્દુ યુવતી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારે ચિંતામાં મુકાઈને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ગત ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યુવતી ગમે તેમ કરીને હેમખેમ ઘરે પરત ફરી હતી અને તેણે પોતાના પરિવારને આખી આપવીતી જણાવી હતી. પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે સક્રિયતા દાખવીને આરોપી કાસમ અંસારીની ધરપકડ કરી લીધી હતી.
આરોપીની ધરપકડ બાદ આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી બાબતો સામે આવી છે. પોલીસે જ્યારે આરોપી કાસમ અંસારીના મોબાઈલની ઝીણવટભરી તપાસ કરી ત્યારે તેના ફોનમાંથી કુલ ૭ ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યા હતા, જેમાં નવાઈની વાત એ છે કે તેમાંથી ૬ આઈડી મુસ્લિમ નામના હતા, જ્યારે એક આઈડી સવન નામના હિન્દુ નામથી ચલાવવામાં આવતું હતું. આરોપી અમદાવાદમાં ક્યાં રોકાયો હતો અને હિન્દુ યુવતીઓને જ ટાર્ગેટ કરવા માટે તેને કોઈ ફંડિંગ મળતું હતું કે કેમ? તેમજ આ આરોપી અન્ય કોઈ હિન્દુ યુવતીઓના સંપર્કમાં હતો કે નહીં? તે તમામ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાલ ઘાટલોડિયા પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સોશિયલ મીડિયાની આકાશી દુનિયામાં સગીરાઓ અને યુવતીઓને ફસાઈ ન જાય તેનું પરિવારે પણ ધ્યાન રાખવું જોઈએ.