ક્રૂડ ઓઇલની નહીં પડે તંગી ! PM મોદીએ UAE સાથે કરી દીધી મોટી ડીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અબુધાબી મુલાકાત દરમિયાન ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કરાર પર સહમતિ નોંધાઈ છે. આ કરાર અંતર્ગત હવે UAE ભારતમાં પોતાના 30 મિલિયન બેરલ સુધીના ક્રૂડ ઓઇલનો જથ્થો સ્ટોર કરી શકશે, જે ભારતની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી મોદી અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય ચર્ચા બાદ બંને દેશોએ ઊર્જા સહયોગને નવી દિશા આપવાનો નિર્ણય લીધો હતો. ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારને વધુ સશક્ત બનાવવા માટે ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ કરાર એવા સમયે થયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાતી અનિશ્ચિતતાઓને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે લાંબા ગાળે સુરક્ષિત અને સતત ક્રૂડ ઓઇલ પુરવઠો જાળવી રાખવો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને દેશોએ દરિયાઈ વેપાર માર્ગોને સુરક્ષિત રાખવા અને જહાજોની અવરોધરહિત અવરજવર જાળવવા પર ભાર મૂક્યો હતો. વૈશ્વિક અર્થતંત્ર માટે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ ધ્યાનમાં રાખીને સલામત નેવિગેશન માટે સહકાર વધારવા સંમતિ પણ નોંધાઈ.
ઊર્જા ક્ષેત્રમાં સહકારને વધુ વિસ્તૃત બનાવવા માટે LNG, LPG અને ક્રૂડ ઓઇલના લાંબા ગાળાના પુરવઠા માટે પણ બંને દેશોએ અનેક મહત્વપૂર્ણ કરારો કર્યા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ADNOC વચ્ચે LPG સપ્લાય માટેનો નવો કરાર પણ આ મુલાકાતની ખાસ ઉપલબ્ધિ ગણાઈ રહ્યો છે. આ સાથે UAEએ ભારતમાં આશરે 5 બિલિયન ડોલર સુધીના રોકાણની જાહેરાત કરી છે. બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય સેવાઓ, સંરક્ષણ, દરિયાઈ સહયોગ અને અદ્યતન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પણ અનેક સમજૂતીઓ થઈ છે.