અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, સોમવારથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે મેટ્રો, નવું ટાઇમ ટેબલ જાહેર

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણ બચત (ફ્યુઅલ સેવિંગ)ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ અપીલને સકારાત્મક પ્રતિસાદ આપતા ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હવે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રાખવાનું નક્કી કરાયું છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આગામી સોમવાર, 18 મે 2026થી મેટ્રો સેવાઓનો સમય લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મોડી રાત સુધી મુસાફરી કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને મોટી રાહત મળશે.

વસ્ત્રાલ ગામથી છેલ્લી ટ્રેન અત્યાર સુધી રાત્રે 10 વાગ્યે ઊપડતી હતી, તે ટ્રેન હવે રાત્રે 11 વાગ્યે ઊપડશે. આ રૂટ પર રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વધારાની 3 ટ્રેન વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ માટે દોડશે.

થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યાની હતી તે ટ્રેનનો સમય વધારીને રાત્રે 11 વાગ્યાનો કરાયો છે. અહીંથી પણ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે ૩ વધારાની ટ્રેન વસ્ત્રાલ ગામ માટે રવાના થશે

APMCથી છેલ્લી ટ્રેન રાત્રે 10:10ના બદલે હવે છેલ્લી ટ્રેન રાત્રે 11:10 કલાકે ઊપડશે. આ અંતર્ગત રાત્રે 10:30, 10:50, અને 11:10 વાગ્યે વધારાની 3 ટ્રેન કોટેશ્વર સુધી દોડશે.

કોટેશ્વરથી APMC માટે છેલ્લી ટ્રેન રાત્રે 10:05 વાગ્યાના બદલે હવે છેલ્લી ટ્રેન રાત્રે 11 વાગ્યે ઊપડશે. જેમાં રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વધારાની ૩ ટ્રેન મળશે.

કોટેશ્વરથી મહાત્મા મંદિર અગાઉ છેલ્લી ટ્રેન સાંજે 7:43 વાગ્યે ઊપડતી હતી, જે સમય લંબાવીને રાત્રે 9:20 કરાયો છે. રાત્રે 8:17 અને 9:20 કલાકે વધારાની 2 ટ્રેન મળશે.

મહાત્મા મંદિરથી કોટેશ્વર રાત્રે 8:09 વાગ્યાની છેલ્લી ટ્રેન હવે રાત્રે 9 વાગ્યે ઊપડશે, જે કોટેશ્વર થઈને છેક APMC સુધી જશે.

મેટ્રો સેવાનું સંપૂર્ણ અને વિગતવાર ટાઇમ ટેબલ ગુજરાત મેટ્રો રેલની સત્તાવાર વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર મૂકવામાં આવ્યું છે. મુસાફરોને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *