અમદાવાદમાં રોડ પર ફળ કે શાકભાજી વેચવા પર પ્રતિબંધ, લારી જપ્ત કરી દંડ અને પોલીસ ફરિયાદ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શાકમાર્કેટો બનાવવામાં આવી હોવા છતાં તેમાં બેસવાના બદલે મોટાભાગના ફેરિયાઓ રસ્તા પર લારી-પાથરણાં રાખીને બેઠા હોય છે. ત્યારે શહેરના જાહેર માર્ગો પર ફળો અને શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ હોય આ મામલે કડક કાર્યવાહી કરવાની ચેતવણી મ્યુનિસિપલે આપી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા માર્કેટો સિવાયના સ્થળો પર ફળો અને શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ સામે એસ્ટેટ વિભાગ દ્વારા આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં લારી જપ્ત કરવાથી માંડીને આકરો દંડ ફટકારવા અને ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આ ચેતવણીની કેવી અને કેટલી અસર થાય છે? તે આગામી સમય જ બતાવશે. કારણ કે ભૂતકાળમાં આવી અનેક ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં તેની કોઈ અસર જમીનીસ્તર પર જોવા મળતી નથી. ખુદ મ્યુનિસિપલની મુખ્ય કચેરી આસપાસ જ મોટા પ્રમાણમાં રસ્તા પર દબાણો થયેલા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત 10મી સપ્ટેમ્બરના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હવેથી નવી શાકમાર્કેટ બનાવવા અધિકારીઓને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. કારણ કે મ્યુનિસિપલ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલી 11 શાકમાર્કેટોમાં થોડા ફાળવ્યા હોવા છતાં મોટાભાગના ફેરિયાઓ બહાર બેસે છે. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો સર્જાય છે. ત્યારે પહેલાં આ ફેરિયાઓને માર્કેટમાં ખસેડવા માટે કડક પગલાં લેવાની સૂચના એસ્ટેટ વિભાગને આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *