‘ગુજ્જુ લવગુરુના અકસ્માત સ્થળે લોકો અગરબત્તી-પાણી ચઢાવવા લાગ્યાં, ખજૂરભાઈએ કહ્યું-અંધશ્રદ્ધા ન ફેલાવો

વાવ-થરાદના સુઈગામના ‘ગુજ્જુ લવગુરુ’ ચંદન રાઠોડના અકસ્માત બાદ અકસ્માત સ્થળે લોકો અગરબત્તી અને પાણી ચઢાવતા હોવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકારની અંધશ્રદ્ધા ન ફેલાવવા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ લોકોને હાથ જોડીને અપીલ કરી છે. ચંદનને સાચો પ્રેમ કરતા હોવ તો અગરબત્તી કે શ્રીફળ ચઢાવવાને બદલે હેલ્મેટનું વિતરણ કરો અને માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવો તેવી અપીલ કરવામાં આવી છે.
‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડના અકસ્માતને 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે, ત્યારે અકસ્માત સ્થળે લોકો અગરબત્તી અને પાણી ચઢાવવા પહોંચતા હોવાના વીડિયો સામે આવ્યા છે.આ ઘટનાને પગલે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ લોકોને અંધશ્રદ્ધા ન ફેલાવવા અપીલ કરી છે. ખજૂરભાઈએ હાથ જોડીને જણાવ્યું કે ચંદનને પ્રેમ કરતા હોવ તો અકસ્માત સ્થળે અગરબત્તી કે શ્રીફળ ચઢાવવાને બદલે સમાજ માટે ઉપયોગી કામ કરો.
ખાસ કરીને યુવાનોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવે અને લોકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવે તે માટે જાગૃતિ ફેલાવવામાં આવે તેવી અપીલ તેમણે કરી છે.ચંદનને સાચો પ્રેમ કરતા હોવ તો અહીં અગરબત્તી કે શ્રીફળ ન વધેરશો. તેના બદલે હેલ્મેટ વહેંચજો. કોઈનો જીવ બચી શકે એ રીતે ચંદનને સાચી શ્રદ્ધાંજલિ આપજો.