પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ

અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતમાં સામાન્ય માણસના ખિસ્સા પર પડવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર થઈ જતાં, ખાનગી પેટ્રોલિયમ કંપની શેલ ઈન્ડિયાએ 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કમરતોડ વધારો ઝીંકી દીધો છે. બેંગલુરુમાં શેલના પંપ પર પેટ્રોલ 7.41 રૂપિયા અને ડીઝલ અધધ 25.01 રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું છે. આ પહેલા નાયરા એનર્જીએ પણ પોતાના પંપ પર ઈંધણના ભાવમાં મોટો વધારો કર્યો હતો.

બુધવાર, 1 એપ્રિલથી શેલ ઈન્ડિયાના આઉટલેટ્સ પર નવો ભાવ લાગુ થઈ ગયો છે. બેંગલુરુની વાત કરીએ તો, અહીં રેગ્યુલર પેટ્રોલનો નવો ભાવ 119.85 રૂપિયા અને પ્રીમિયમ પાવર પેટ્રોલનો ભાવ 129.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સૌથી મોટો ઝટકો ડીઝલના ગ્રાહકોને લાગ્યો છે. ડીઝલના ભાવમાં સીધો 25.01 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જેનાથી રેગ્યુલર ડીઝલ 123.52 રૂપિયા અને પ્રીમિયમ ડીઝલ 133.52 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે 2 અઠવાડિયા પહેલા પણ શેલે 2 થી 2.50 રૂપિયાનો સામાન્ય વધારો કર્યો હતો, જેનાથી પેટ્રોલ 108.50 અને ડીઝલ 93.50 રૂપિયા આસપાસ પહોંચ્યું હતું.

શેલ પહેલા 27 માર્ચના રોજ ખાનગી કંપની નાયરા એનર્જીએ પણ મહારાષ્ટ્રમાં પોતાના પંપ પર પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો હતો. આ વધારા પછી મહારાષ્ટ્રમાં નાયરાના પંપ પર પેટ્રોલ 103.82 રૂપિયાથી વધીને 108.82 રૂપિયા અને ડીઝલ 90.09 રૂપિયાથી વધીને 93.09 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. ભારતમાં 7000 જેટલા ફિલિંગ સ્ટેશન ચલાવતી નાયરા કંપનીનું કહેવું છે કે ઈંધણના સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનમાં આવી રહેલા મોટા પડકારોને કારણે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.

આ બધા પાછળનું મુખ્ય કારણ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભયંકર યુદ્ધ છે, જે હવે પોતાના બીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં વૈશ્વિક તેલ બજારો પર ભારે દબાણ આવ્યું છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં લગભગ 60 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) અમેરિકા, ઈઝરાયલ અને તેમના સાથી દેશો માટે બંધ કરી દીધો છે. આ સાંકડા ઓઈલ કોરિડોરમાંથી સપ્લાય ખોરવાઈ જવાના ડરથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *