પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા ભીષણ આગમાં સપડાયા, દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા, મુસાફરોમાં ડરનો માહોલ

પંજાબના પટિયાલામાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓ આગમાં સપડાયા હોવાના સમાચાર છે. ટ્રેન જ્યારે રાજપુરા  પહોંચી ત્યારે આ આગ લાગી હતી. હાલ આગ કયા કારણસર લાગી તે સામે આવ્યું નથી. આ ઘટના સરાય વંજારા ગામ પાસે ઘટી. ઘટનાસ્થળના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે ચડે છે. આ સાથે જ મુસાફરો ડરીને બહાર ઊભેલા નજરે ચડે છે. મળતી માહિતી મુજબ ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ મામલે રેલવેએ ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપી દીધા છે. એવું કહેવાય છે કે આ ઘટનાના દરેક પહેલુઓની તપાસ કરાશે.

છેલ્લી માહિતી મુજબ ટ્રેનમાં આગ કઈ રીતે લાગી તે કારણ સામે આવ્યું નથી.  આગ લાગ્યા બાદ ટ્રેન થોભી ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બહાર નીકળ્યા. અત્રે જણાવવાનું કે કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેન અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડે છે.

આ ઘટના સંલગ્ન કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેનમાંથી ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે. મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનથી દૂર ઊભા છે. આ આગને  કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને તેઓ ડરીને ટ્રેનમાંથી બહાર નીકળી ગયા.

રેલવે અધિકારીએ શું કહ્યું?

આ ઘટના અંગે નોર્ધન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) હિમાંશુ ઉપાધ્યાયે કહ્યું કે અંબાલા ડિવિઝનના સરાય બંજારા સ્ટેશન પાસે અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી જનારી 12508 કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં આગ લાગવાની જાણકારી મળી હતી.

તેમણે કહ્યું કે સફ્ટી સિસ્ટમ સમયસર કામ કરવાના કારણે ટ્રેન થોભી ગઈ અને આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે હજુ સુધી આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના, કોઈ અન્ય પ્રકારના નુકસાન કે કોઈ જાનમાલનું નુકસાન થયું હોય તેવા કોઈ સમાચાર પ્રાપ્ત નથી. હાલ દિવાળીનો તહેવાર છે અને આ સમય દરમિયાન ટ્રેનોમાં ભારે ભીડ રહે છે. જેના કારણે આવા અકસ્માતો ચિંતા વધારે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *